Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદ શાખાને ગુણવત્તાયુક્ત સેવા માટે આંતરરાષ્ટ્રીય સન્માન

અમેરિકન એસોસિશન ઓફ બ્લડ બેંક દ્વારા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની અમદાવાદ શાખાને મળેલા સન્માનથી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધ્યું

અમદાવાદ : ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદ શાખાને ગુણવત્તાયુક્ત સેવા માટે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે. અમેરિકન એસોસિશન ઓફ બ્લડ બેંક દ્વારા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની અમદાવાદ શાખાને “AABB Certificate in Quality” એનાયત કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા કલેક્ટર હોદ્દાની રૂએ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના અધ્યક્ષ હોય છે.

આ બહુમાન અંગે પ્રતિભાવ આપતા અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ જણાવ્યું હતું કે,” ઈન્ડિયન રેડક્રોસ, અમદાવાદ શાખાને આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલું સન્માન સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે”.

તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદ જિલ્લાની રેડ ક્રોસ બ્રાન્ચ દ્વારા અવારનવાર સામાજિક-સ્વચૈછિક પ્રવૃતિઓ હાથ ધરવામા આવે છે અને કોરોનાકાળમાં પણ રેડક્રોસ સોસાયટીએ રક્તદાન અને પ્લાઝમા ડોનેશન થકી શ્રેષ્ઠ કામગીરી કરી છે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રસંશા કરી હતી અને વધુમાં વધુ લોકોને રક્તદાન માટેની અપીલ કરી હતી.

આ અવસરે ઉપસ્થિત ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના અમદાવાદ શાખાના ચેરમેન ડોક્ટર હર્ષદ શાહે સંસ્થાની આ સિદ્ધિનો શ્રેય ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના સ્થાપક પ્રમુખ ડો. વિષ્ણુ ગણેશ માવળંકરને આપ્યો હતો.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડાયરેક્ટર ડો. વિશ્વાસ અમીને કહ્યું કે, ઈન્ડીયન રેડકોસ સોસાયટીની અમદાવાદ શાખાએ કોરોના કાળમાં 500થી વધુ પ્લાઝમા ડોનેશન માટે નોંધણી કરાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ની 17(સત્તર) શાખાઓ કાર્યરત છે.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદ જિલ્લા શાખા દ્રારા આજે સમગ્ર ભારતમાં સૌ પ્રથમ વખત અને સમગ્ર વિશ્વમાં બીજા બ્લડ સેન્ટર AABB સર્ટીફીકેટ ધરાવતાં બ્લડ સેન્ટરનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. આ સર્ટીફીકેટ મેળવવું એટલે ગુણવત્તાની દ્દષ્ટિએ અમદાવાદ રેડ ક્રોસ એ વૈશ્વિક સ્તરે નામના મેળવી છે.

અમદાવાદ રેડક્રોસ પરિવાર કે જે કલેકટરના પ્રમુખ પદ હેઠળ ડો. હર્ષદ શાહની આગેવાનીમાં સમગ્ર ભારતમાં રેડક્રોસ સંચાલિત તમામ બ્લડ સેન્ટરમાં શ્રેષ્ઠ બ્લડ સેન્ટરનો એવોર્ડ મેળવી ચૂકેલ છે

(11:24 pm IST)