Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મોંઘવારીમાંથી મધ્યમ વર્ગને બચાવો નહિતર પ્રજાનો વિશ્વાસ ઉઠી જશે : ભાવ નિર્ધારણ પંચ રચવું જરૂરી

ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિએ પીએમને લખ્યો પત્ર : કેન્દ્ર - રાજ્ય સરકારો વેટ - જીએસટી - એકસાઇઝ નામે લૂંટફાટ કરી રહી છે

ગાંધીનગર તા. ૧૪ : છેલ્લાં કેટલાંક સમયથી પેટ્રોલ, ડિઝલથી માંડીને ગેસનો બાટલા ઉપરાંત સીએનજી,પીએન.જીમાં થઇ રહેલાં અધધ ભાવ વધારાના કારણે ચોતરફ બૂમરેગ મચી જવા પામી છે. ત્યારે વીજળી તેમજ શાળાની ફીની માફક આ ચીજવસ્તુના ભાવ નિયંત્રણમાં રાખવા માટે સુપ્રિમ કોર્ટના જસ્ટિસની આગેવાનીમાં ભાવ નિર્ધારણ પંચની રચના કરવાની માંગ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે કરી છે. જો આ માંગ સંતોષવામાં નહીં આવે તો ના છૂટકે લડત આપવી પડશે તેવી ચીમકી આપી છે.

ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું છે કે, કેન્દ્ર અને રાજય સરકારો મોંઘવારી અને ભાવ વધારાને નિયંત્રણમાં લેવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે. મોંઘવારી અને આર્થિક આંતકવાદ દેશના કરોડો અસંગઠિત ગ્રાહકોને ભરખી રહ્યો છે. પેટ્રોલ, ડીઝલ, સીએજી,પીએનજી, એલપીજી અને રસોઇ ગેસના બાટલાનો બેફામ ભાવ વધારાએ ગ્રાહકોની કમર તોડી નાંખી છે.

તેમણે વધુમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવીને જણાવ્યું છે કે, મધ્યમ અને ગરીબ વર્ગની પ્રજાને રાહત આપવા સરકાર અસરકારક પગલાં નહીં ભરે તો પ્રજાનો વિશ્વાસ ઉઠી જશે. પેટ્રોલ અને ડિઝલમાં લીટર દીઠ ૩૫ રૂપિયાની પડતર કિંમતની પ્રોડકટ રૂપિયા ૧૦૦ને ભાવ સપાટી અસહ્ય છે. સરકાર જીએસટીમાં સમાવેશ કરે અને એકસાઇઝ ડયૂટી અને વેટના નામે કેન્દ્ર તથા રાજય સરકારો લૂંટાલૂંટ કરી રહી છે.

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં જણાવ્યું છે કે, અદાણી ગેસ લી. દ્વારા છેલ્લાં બે સપ્તાહમાં સીએનજી, પીએનજી, એલપીજીમાં ભાવ વધારો નફાખોરીની પરાકાષ્ટા વધાવી દીધી છે. ગ્રાહકોને સરકારની સાથે સાથે ખાનગી કંપનીઓ પણ લૂંટે છે. કેન્દ્ર સરકારે દેશના તમામ રાજયોમાં પેટ્રોલિયમ પ્રોડકટ સી.એન.જી., પી.એન.જી., એલ.પી.જી.ના ભાવ નક્કી કરવા માટે વીજ નિયમન પંચની જેમ જોગવાઇ કરવી જોઇએ.

ખાનગી કે સરકારી કંપનીના રાતોરાત મનવસ્વી ભાવો નક્કી ના કરી શકે તે માટે ગ્રાહકોના વાંધા, સૂચનો અને રજૂઆત સાંભળી પ્રતિ બે વર્ષે ભાવ નક્કી કરવા જોઇએ. સરકારે સુપ્રિમ કોર્ટના જસ્ટીસની આગેવાની હેઠળ ભાવ નક્કી કરવા માટે ભાવ નિર્ધારણ પંચ (રેઇટીંગ કમિશન)ની રચના કરવી જોઇએ. સૂચિત પંચમાં વેપાર, ઉદ્યોગો તેમ જ ગ્રાહકોના પ્રતિનિધિઓ અને અર્થશાસ્ત્રીઓ-નિષ્ણાંતોનો સમાવેશ કરવો જોઇએ. ના છૂટકે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિને સરકારના આર્થિક આંતકવાદ સામે ઉગ્ર લડત આપવાની ફરજ પડશે તેમ પણ તેમણે જણાવ્યું છે.

(10:12 am IST)