Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મેડિકલ કોલેજોની ફીના મામલે કોંગ્રેસ અને સરકાર સામસામે

સરકારી નાણાથી ઉભી થતી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ સરકારી ફી ના ધોરણે આપવા કોંગ્રેસની માંગઃ રાજ્યની નવસારી, પોરબંદર, રાજપીપળા મેડિકલ કોલેજ જીએમઇઆરએસને સોંપી દેવાનું નક્કી કર્યું

ગાંધીનગર તા. ૧૪ : કેન્દ્ર અને રાજયના સરકારી નાણાંથી ઊભી થતી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ સરકારી ફી ના ધોરણે આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનિષ દોશીએ માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રના ૬૦ ટકા અને રાજય સરકારના ૪૦ ટકા નાણાંથી ઉભી થનારી સરકારી મેડીકલ કોલેજો સ્થપાશે તેવુ લોકસભામાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા અને સાંસદ રાહુલ ગાંધી દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૦માં પુછાયેલા પ્રશ્નના જવાબમાં મેડીકલ કોલેજ જે તે રાજયમાં સ્થાપવા માટે કેન્દ્ર સરકાર ૧૯૫ કરોડ અને રાજય સરકાર ૧૩૦ કરોડ ફાળવશે તેવુ જણાવ્યું જે અન્વયે ગુજરાતમાં નવસારી, પોરબંદર અને રાજપીપળા ખાતે ત્રણ મેડીકલ કોલેજો સરકારી નાણાંથી ઉભી થનાર છે. પણ મેડીકલ કોલેજ સ્થાપવા માટેની કેન્દ્ર સરકારની નીતીની વિરુધ્ધ થઈને ગુજરાત સરકારે નવસારી, પોરબંદર અને રાજપીપળા ત્રણેય મેડીકલ કોલેજો ગુજરાત મેડીકલ એજયુકેશન રીસર્ચ સોસાયટી (GMERS) ને સોંપી દેવાનુ નક્કી કર્યું છે.
આયોજન પંચના નાણાંથી સ્થપાયેલ મેડીકલ કોલેજોને સોસાયટીમાં તબદીલી કરવાથી સામાન્ય – મધ્યમવર્ગના તેજસ્વી બાળકોને ૩.૫૦ લાખ રૂપિયા પ્રતિ વર્ષ ફી ભરવી પડે છે. સરકારી નાણાંથી નવસારી, પોરબંદર, રાજપીપળા ખાતે સ્થપાનાર નવી મેડીકલ કોલેજોને સરકારી રાહે જ સરકારી ફીમાં જ સ્થપાય તે જોવાની જવાબદારી રાજય સરકારની છે. જિલ્લા / સરકારી હોસ્પીટલો / સિવિલ હોસ્પીટલો / રેફરલ હોસ્પિટલો સરકારી નાણાંથી ઊભી થયેલ છે તો પછી સોસાયટીના નામે મેડીકલ એજયુકેશન કેમ મોંઘુ ?
ડો. મનીષ દોશીએ વધુમાં કેન્દ્ર સરકાર ૧૯૫ કરોડ અને રાજય સરકાર ૧૩૦ કરોડ અન્વયે સ્થપાનાર મેડીકલ કોલેજો હોય તો પછી તેના ફી ના ધોરણો કેમ પ્રતિવર્ષ ૩.૫૦ લાખ રૂપિયા ? સરકારી નાણાંથી ઉભી થયેલ કોલેજો સામાન્ય અને મધ્યમવર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ પાસેથી એમ.બી.બી.એસ. માટે પ્રતિ વર્ષ ૩.૫૦ લાખ જેટલી ઉંચી ફી વસુલ કરશે. જે સંપૂર્ણ પણે અન્યાયકર્તા અને ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા માટે પણ વ્યાજબી નથી. ગુજરાતમાં છ સરકારી મેડીકલ કોલેજમાં પ્રતિ વર્ષ ૨૫,૦૦૦, સરકારી નાણાંથી ઉભી થયેલ GMERS ની ૮ કોલેજોમાં ૩.૫૦ લાખ અને સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં પ્રતિ વર્ષ ૮.૬૫ લાખથી ૧૭ લાખ જેટલી અધધ ફી વસુલવામાં આવી રહી છે.

 

(12:03 pm IST)