Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

સુરત:TRB જવાનના ગળું દબાવી હત્યા : પીએમ રિપોર્ટમાં હત્યા થયાનો ખુલાસો

પિતાએ જ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે પિતાની ધરપકડ કરી

સુરતના વેડરોડ લક્ષ્‍મીનગરમાં ત્રણ દિવસ પહેલા કુદરતી રીતે મોત ને ભેટેલા પૂર્વ TRB જવાનની ગળું દબાવી હત્યા કરી હોવાનું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થતા પોલીસ પણ ચોંકી ગઈ છે. એટલું જ નહીં પણ સમગ્ર તપાસમાં પુત્રની હત્યા પિતાએ જ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વેડરોડ મરાઠી સ્કુલની સામે લક્ષ્‍મીનગર સોસાયટીમાં રહેતા સાગર કારભારી માળી (ઉ.વ.25)ની ગત.તા. 9મીના રોજ બપોરે અઢી વાગ્યે ઘરમાંથી લાશ મળી આવી હતી. જે તે વખતે મૃતક સાગરના પિતા કારભારીએ પોલીસને પુત્રનું કુદરતી રીતે મોત થયું હોવાની વાત કરી ગેરમાર્ગે દોર્યા હતા.

પરંતુ સાગરના પોસ્ટ મોર્ટમ બાદ પીએમ રિપોર્ટમાં સાગરનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનુ બહાર આવ્યું હતું. જેથી પોલીસે ફરીથી કારભારી માળીની ફરીથી પૂછપરછ કરતા તેઓએ સાગરે સાડી વડે ફાંસો ખાધો હોવાની વાત ઉપજાવી હતી. પીએમ કરનાર ડોકટરે દોરીથી ફાંસો આપ્યો હોવાની વાત કરી હોવાથી કારભારે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસની આકરી પૂછપરછમાં કારભારી પડી ભાંગ્યો હતો અને પોતે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. વધુમાં મૃતક સાગરના તેની પત્ની સાથે છુટાછેડા થઈ ગયા છે અને બનાવના દિવસે આગલી રાતે તેની પત્ની ઘરે આવી હતી. સવારે સાગર તેને રેલવે સ્ટેશનને મુકવા માટે પણ ગયો હતો. ત્યારબાદ બપોરે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થતા કારભારીએ ઉશ્કેરાઈને ગળે ટુંપો આપી હત્યા કરી નાખી હતી.પિતા-પુત્ર વચ્ચે અવાર નવાર ઝઘડાઓ પણ થતા હતા. બનાવ અંગે પોલીસે સમાધાન કારભારી માળીની ફરિયાદ લઈ તેના પિતા કારભારી બાબુલાલ માળી સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:06 pm IST)