Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

વડોદરા-વાઘોડિયા સ્ટેટ હાઇવે નજીક મોપેડને કારે હડફેટે લેતા ફિજીયોથેરાપીની વિદ્યાર્થિનીનું મોત

વડોદરા : વડોદરા-વાઘોડિયા સ્ટેટ હાઇવે પર આમોદર પાસે એક મોપેડને કારે ટક્કર મારતા ફિઝિયોથેરાપીની વિદ્યાર્થિનીનું કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે અકસ્માતમાં વિદ્યાર્થિનીના  મિત્ર અને કારના ચાલકને ઇજા થતા બંનેને સારવાર માટે ખસેડાયા છે.

આ અંગેની વિગત એવી છે કે આધ્રપ્રદેશના ઇસ્ટ ગોદાવરી ખાતેની મૂળ વતની હર્શિતા મનીચન્દ્રા વેન્ટાપ્રગરડા (ઉ.વ.૨૩) પારુલ યુનિવર્સિટીની ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતી હતી. ગઇરાત્રે તે તેના ૧૯ વર્ષના મિત્ર સાંઇકુમાર રેડ્ડી તુમાટી સાથે ડિઓ મોપેડ પર વડોદરા તરફ આવતી હતી. રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ આમોદર ગામ પાસે શ્યામલ કાઉન્ટી સોસાયટીની સામેથી પસાર થતા પાછળથી પૂરઝડપે આવતી એક ક્રેટા કારે મોપેડને જોરદાર ટક્કર મારતા મોપેડ પરથી હર્શિતા અને તેનો મિત્ર સાંઇકુમાર ઉછળીને નીચે પટકાયા હતાં તેમજ કારના ચાલકે પણ કાબૂ ગુમાવતા કાર રોડ પાસેની સોસાયટીના થાંભલા સાથે અથડાઇ હતી.

અકસ્માતના પગલે લોકો ભેગા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત મોપેડ સવાર બંને મિત્રો અને કારના ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યા હર્શિતાનું કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે મોપેડ અને કારના ચાલકને ગંભીર ઇજા થતા બંને સારવાર હેઠળ છે. કારના ચાલકનું નામ પ્રાશ્વીક હાડા તેમજ તે સુમનદીપ વિદ્યાપીઠમાં એમબીબીએસમાં અભ્યાસ કરતો  હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતના બનાવ અંગે પારુલ યુનિવર્સિટીના એડમિશન કાઉન્સિલર માઘવરેડ્ડી સુભારેડ્ડી ઇનઘંટીએ ફરિયાદ નોંધાવી હતી.

(6:07 pm IST)