Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

સુરતમાં ગરબા રમતા વિદ્યાર્થીઓ પર પોલીસના હુમલાનો મોરબીમાં વિરોધ કરાયો.

જવાબદાર પોલીસ સામે કડક કાર્યવાહી કરવા માંગ:જો પગલા નહિ લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી

સુરતની વીર નર્મદ યુનીવર્સીટીમાં કુલપતિની મંજુરીથી એક દિવસના ગરબાનું આયોજન કરાયું હોય જ્યાં પોલીસ કર્મીઓએ વિદ્યાર્થીઓને ગાળો આપી દમનકારી વલણ દાખવ્યું હોય જેના વિરોધમાં મોરબી એબીવીપી દ્વારા કલેકટરને આવેદન પાઠવ્યું છે

સુરતની યુનીવર્સીટીમાં બનેલી ઘટના અંગે એબીવીપી દ્વારા આજે મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે યુનીવર્સીટીમાં પી.આઇ. કિરણ મોંદી અને અન્ય પોલીસકર્મીઓ દારૂ ના નશામાં આવ્યા હોય જેને વિદ્યાર્થીઓને ગાળો આપીને અપશબ્દો બોલી દમનકારી વલણ અપનાવ્યું હતું જ્યારે વિદ્યાર્થીઓ તેમની સાથે સંવાદ કરવા ગયા તો વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ૪ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને મારપીટ કરવામાં આવી હતી.
આવી દમનકારી નીતિ અને સુરત પોલીસની ગુંડાગીરી ગૃહ મંત્રીના શહેરમાં જ કરવામાં આવી છે જે મારપીટમાં સામાન્ય વિદ્યાર્થી ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના મંત્રી હિમાલયસિંહ ઝાલા, પ્રદેશ સહમંત્રી વિર્તિબહેન શાહ ઉપરાંત અન્ય મહાનગરના વિદ્યાર્થી કાર્યકર્તાઓને પણ ગંભીર ઇજા પહોચી છે અને ૪ વિદ્યાર્થીઓ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. જેથી એબીવીપી મોરબી દ્વારા ઘટનાને વખોડી કાઢીને કલેકટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે અને જવાબદાર પોલીસ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે જો પગલા નહિ લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(6:50 pm IST)