Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મોત માટે યુવકે કર્યો માસ્ક અને ઓક્સિજન બોટલનો ઉપયોગ

યુવકે મોંઢે કોથળી પણ વીંટાળી : ગોત્રી વિસ્તારમાં રહેતા બેંક કર્મચારીની રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરતા પોલીસ પણ ચોંકી ઉઠી

વડોદરા, તા.૧૪ : વડોદરામાં મર્ડર અને હત્યાના સિલસિલા બાદ હવે આત્મહત્યાનો કિસ્સો ચર્ચાઈ રહ્યો છે. ગોત્રી વિસ્તારમાં રહેતા બેંક કર્મચારીની રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા  કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મોત જલ્દી મળે તે માટે યુવા બેંક કર્મચારીએ મોત ન મળે ત્યાં સુધી પોતાનો શ્વાસ રુંધ્યો હતો. જે માટે તેણે મોઢા પર ઓક્સિજન માસ્ક લગાવી એના પર કોથળી પહેરી હતી, જેથી જલ્દી મોત મળે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ હરિયાણાના મંકવાસ ભિવાનીના પાડવાન ગામનો ૨૪ વર્ષનો આશિષ અનિલ સંઘવાન શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા કૃષ્ણદીપ ટેનામેન્ટમાં નીચેના માળે ભાડેથી રહેતો હતો. તે છ મહિના પહેલા જ હરિયાણાથી વડોદરા આવ્યો હતો. આશિષ વડોદરાના મકરપુરા વિસ્તારની એસબીઆઈ બેંકમાં ટ્રેઈની તરીકે કામ કરતો હતો. તેણે બેંકમાંથી ચાર દિવસની રજા લીધી હતી. પરંતુ ગત શુક્રવારથી તે ઓફિસમાં દેખાયો ન હતો. તેથી બેંકના કર્મચારીએ મકાન માલિકનો સંપર્ક કર્યો હતો. જેથી તેમણે આશિષના રૂમમાં જઈને તપાસ કરી હતી. આશિષના રૂમની બારીમાંથી અંદર જોતા તેઓ ડઘાઈ ગયા હતા. રૂમમાં આશિષનો મૃતદેહ ફુલેલી હાલતમાં પડ્યો હતો.

૨૪ વર્ષીય આશિષ સંઘવાને કૃષ્ણદીપ ટેનામેન્ટના ભાડાના મકાનમાં આત્મહત્યા કરી હતી. તેના મૃતદેહ પાસેથી સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે માત્ર ૩ લાઈન લખી હતી. તેણે લખ્યુ હતું કે, હું મારી જાતે સુસાઇડ કરું છું, આ ઘટના માટે કોઇ જવાબદાર નથી.

પોલીસ તપાસમાં આશિષે મોત મેળવવા માટે વિચિત્ર રીત અપનાવી હોવાનું સામે આવ્યુ હતું. ચાર દિવસ પહેલા આશિષ ઓક્સિજન સિલિન્ડર લઈ આવ્યો હતો, જેના ઉપયોગથી તેણે આત્મહત્યા કરી હતી. તે જાતે જ ઓક્સિજનનો બોટલ અને મોઢા પર માસ્ક લગાવી સૂઇ ગયો હતો. એટલુ જ નહિ, તેણે મોઢા પર કોથળી પણ પહેરી હતી, જેથી મોત વહેલુ આવે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઓક્સિજનને કારણે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થવાની શકયતા નહિવત્ છે. ઓક્સિજનની બોટલ પૂર્ણ થઈ ગયા બાદ મોઢા પર પહેરેલી કોથળીને કારણે તેનો શ્વાસ રૃંધાયો હોઈ શકે અથવા સ્યૂસાઈડનું કોઇ બીજું કારણ હોઈ શકે. ત્યારે આત્મહત્યા મામલે લક્ષ્મીપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(7:19 pm IST)