Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

કર્મચારીઓ આનંદો :દિવાળીના તહેવાર નિમિત્તે સરકારી કર્મચારીઓનો વહેલો પગાર ચૂકવાશે

25 અને 26 ઓકટોબર દરમિયાન તબક્કાવાર પેન્શન અને પગાર ચૂકવાશે :તહેવાર કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે હેતુથી વહેલો પગાર ચૂકવવાનો સરકારે નિર્ણય કર્યો

અમદાવાદ :આગામી તા.4થી નવેમ્બરના રોજ દિવાળીનો તહેવાર છે. આ તહેવાર કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે હેતુથી વહેલો પગાર ચૂકવવાનો સરકારે નિર્ણય કર્યો છે. સરકારી કર્મચારીઓ, પેન્શનરોને આ વખતે 25 અને 26મી ઓક્ટોબર દરમિયાન પેન્શન તથા પગારની ચૂકવણી તબક્કાવાર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઠરાવ અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક તેમ જ બિન-શૈક્ષણિક કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ તથા કરાર આધારિત નિમણૂંક પામેલા કર્મચારીઓને લાગુ પડશે.

સરકારી કર્મચારીઓના પગાર જે માસના પગાર ભથ્થાં ચુકવવાપાત્ર હોય તે પછીના માસના પ્રથમ ત્રણ કામકાજના દિવસો દરમિયાન સ્ટેગરીંગ પ્રથા અનુસાર ચૂકવવાના હુક્મો તા. 13-10-1993ના ઠરાવથી કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર 4-11-2021ના રોજ હોવાથી કર્મચારીઓ, પેન્શનરો આનંદ અને ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને રાજય સરકારે ઓક્ટોબર-2021 મહીનાના પગાર ભથ્થાં તથા પેન્શનની ચુકવણી વહેલી કરવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણય અનુસાર ઓક્ટોબર-2021 માસના રાજય સરકારના કર્મચારીઓ, પેન્શનરોના પગાર ભથ્થાં, પેન્શનની ચુકવણી ઉપર્યુકત 13-10- 1993ના ઠરાવમાં જણાવ્યા પ્રમાણે પ્રથમ ત્રણ કામકાજના દિવસોના બદલે 20-4-93ના ઠરાવમાં છૂટછાટ મૂકીને 25 અને 26 ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર કરવાનું ઠરાવ્યું છે.

રાજયના નાણાં વિભાગે કરેલા ઠરાવમાં અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક તેમ જ બિન શૈક્ષણિક કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ તેમ જ કરાર આધારિત નિમણૂંક પામેલા કર્મચારીઓને પણ લાગુ પડશે. મતલબ કે તેમને પણ વહેલો પગાર કરી દેવામાં આવશે.

(7:37 pm IST)