Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ભાજપની 112 બેઠકમાંથી નિવુત્ત થશે તે અને બાકીની 70 બેઠકોમાં મળી કુલ 100 નવા ચહેરા મૂકાશે: સી,આર,પાટીલ

વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ચહેરાઓ બાબતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સ્પષ્ટતા

 

ગાંધીનગર:  હિંમતનગર ખાતે યોજાયેલી પેજ પ્રમુખ કાર્ડ વિતરણ સમારંભમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ચહેરાઓ આવશે તેવી વાત જાહેર કરતાં જ હડકંપ મચી ગયો હતો. તેમાંય વળી પ્રવર્તમાન ધારાસભ્યોમાંથી કોને પડતા મૂકાશે અને કોણ નવા ચહેરા આવશે તેની અટકળો શરૂ થઇ જવા પામી હતી. જો કે આજે તેમણે પાર્ટીમાં જે લોકો અત્યારે છે તેમને બદલવાની કોઇ વાત નથી તેમ સ્પષ્ટતા કરવાની સાથોસાથ 100 નવા ચહેરાં આવવવાની શક્યતા શબ્દનો પ્રયોગ જારી રાખ્યો છે. પરંતુ કઇ રીતે 100 નવા ચહેરાઓ થશે તે બાબત સ્પષ્ટ કરી છે.

તેમણે આજે એક કાર્યક્રમ બાદ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 112 બેઠકો ભાજપા પાસે છે. 70 બેઠકો માટે અમારે નવા ચહેરાઓ શોધવા પડશે. 112 માંથી થોડાં ઘણાં રિટાયર્ડ થશે એ પ્રમાણે કદાચ 100 નવા ચહેરા આવશે પરંતુ પાર્ટીમાં જે લોકો હમણા છે તેમને બદલવાની કોઇ વાત નથી. કાર્યકરોને જણાવ્યું હતું કે આ નવા ચહેરાઓ આવવાની શકયતા છે તેમાં જો તમે પુરી તાકાતથી તમારા વિસ્તારમાં મહેનત કરશો અને પ્રજા જો તમને સ્વિકારશે તો ચોક્કસ પણે તમારી પસંદગી થવાની સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 11 ઓક્ટોબર 2021ના રોજ હિંમતનગર ખાતે પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકરોને જુસ્સા સાથે સંબોધન કરતા જણાવ્યું હતું કે દરેક કાર્યકર ચૂંટણીમાં ટીકિટ માંગી શકે છે અને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં 100થી વધુ નવા ધારાસભ્યોના ઉમેદવારોની યાદી જોવા મળશે. ચૂંટણી માટે કયા ઉમેદવારને ટીકિટ આપવી કે નહી તે ભાજપનું હાઇકમાન્ડ નક્કી કરે છે તે પણ સર્વે કરી જે ઉમદેવારે પ્રજાનો વિશ્વાસ મેળવ્યો હશે તેવા નવા ચહેરા તક આપવામાં આવશે અને એટલે ભાજપનો દરેક કાર્યકર પ્રજાની સાથે રહે તેમના કામ કરે અને તેમનો વિશ્વાસ સંપાદીત કરવાના પ્રયાસમાં જોતરાઇ જવા હાકલ કરી હતી.

આ નિવેદનના પગલે ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. તેમાંય વળી તાજેતરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં વય મર્યાદા તેમ જ ત્રણ વખત ચૂંટણી લડયા હોય તેમને ટિકીટ નહીં આપવાની થીઅરી અપનાવી હતી. તાજેતરમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં નો રિપીટ થીઅરી અપનાવવામાં આવી હતી. તેવા સમયે પ્રદેશ ભાજપ અધ્યક્ષના આ નિવેદનથી પ્રવર્તમાન ધારાસભ્યોમાં ચિંતા પેઠી હતી. આ નિવેદન ભાજપના કાર્યકરોથી માંડીને નેતાઓમાં ચર્ચાના ચગડોળે ચડયું હતું. પરિણામ સ્વરૂપ આજે તેમણે કેટલીક સ્પષ્ટતા કરીને ચર્ચાઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

(11:14 pm IST)