Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર પુત્રોએ બ્રોકરનું અપહરણ કર્યું : રિવોલ્વરથી બ્રોકરને ડરાવી સહીઓ કરાવી

છગન પટેલના પુત્ર પ્રથમેશ અને વિક્રમ સહિતના છ લોકો વિરૂધ્ધ આક્ષેપ કરતી અરજી

અમદાવાદ : પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ-દશરથ અને છગન પટેલ સામે  જૂદી જૂદી ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુકી છે. હવે પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર છગન પટેલના બે પુત્રોનું કારસ્તાન બહાર આવ્યું છે. છગન પટેલના પુત્ર પ્રથમેશ અને વિક્રમ સહિતના છ લોકો વિરૂધ્ધ આક્ષેપ કરતી અરજી નોંધાઈ છે. જે મુજબ આરોપીઓએ ગોધાવી ગામ ખાતેની તેઓની જમીનના વેચાણ અંગે સોદો કરી અરજદાર પાસેથી રૂ.85 લાખ લઈ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. આ ઉપરાંત પૈસા પરત માંગતા બિલ્ડરોએ અરજદારનું રિવોલ્વરની અણીએ અપહરણ કરી ગોંધી રાખી સ્ટેમ્પ પેપર પર સહીઓ કરાવી હતી  Group Builder

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કાળી વેજી (મોટી ઝોક) ગામના રહેવાસી અને જમીન મકાન લે વેચનો વ્યવસાય કરતા ભરત છેલા અલગોતરએ પોપ્યુલર ગ્રુપ બિલ્ડર છગનભાઈના પુત્રો પ્રથમેશ અને વિક્રમ વિરુદ્ધ અરજી કરી છે.

અરજીની વિગત મુજબ પોપ્યુલર ગ્રૂપના પ્રથમેશએ ગોધાવીવાળી જગ્યા વેચવાની વાત કરી ભરતભાઈને તેમના ઘરે બોલાવ્યા હતા.છગનભાઈ,પ્રથમેશ અને વિક્રમની હાજરીમાં જમીનનો વેચાણ સોદો રૂ.1.10 કરોડમાં નક્કી થયો હતો. જે મુજબ ભરત અલગોતરએ સોદા પેટે રૂ.10 લાખના ચેક અને 75 લાખ રોકડા મળી કુલ રૂ.85 લાખ આરોપીઓને ચૂકવ્યા હતા

ગત તા.20, ઓક્ટોબર, 2018ના રોજ ભરતભાઈને પોપ્યુલર ગ્રૂપના બાપ બેટાએ બાનાખત, કબજા કરાર અને જનરલ પાવર ઓફ એટર્ની કરી આપી હતી. તે પછી બાપ-બેટાઓનું વર્તન બદલાઈ ગયું હતું. ભરતભાઈ જ્યારે પણ દસ્તાવેજ માટે વાત કરતા તો પોપ્યુલર ગ્રૂપના બાપ-બેટા વાત ફેરવી નાખતા હતા

બે વર્ષ વીતી જતા ભરતભાઈ ગત તા.15-9-2020 ના રોજ પોપ્યુલર હાઉસવાળા ઘરે ગયા હતા. ભરતભાઈએ મને મારા પૈસા પરત કરો અથવા દસ્તાવેજ કરી આપો તેમ કહેતા પ્રથમેશએ હું કાલે તમારા રૂપિયા પરત આપી દઈશ તમે ઘરે ના આવતા

બીજા દિવસે બપોરે 2 વાગ્યે ભરતભાઈ નક્કી થયા મુજબ શ્યામલ ચાર રસ્તા સિટી ગોલ્ડ સિનેમાની સામે પહોંચી ગયા હતા. ત્યાં પ્રથમેશ અને વિક્રમ સહિત 6 લોકો બે ગાડી મા આવ્યા હતા.

ભરતભાઈને મારઝૂડ કરી ગોલ્ડન કલરની મર્સિડીઝ કારમાં પ્રથમેશ સહિતના લોકોએ બેસાડી દીધા હતા. તે કારમાં વિક્રમ,પ્રથમેશ સહિત 4 લોકો બેઠા અને બીજા બે લોકો ઇનોવા કારમાં પાછળ આવતા હતા. ભરતભાઈને અજાણ્યા શખ્સે રિવોલ્વર પેટ પર અડાડી ચૂપચાપ બેસી રહેવા ધમકી આપી હતી.  Group Builder

સિંધુ ભવન રોડ પરની ઓફીસે લઈ જઈ પ્રથમેશએ ભરતભાઈનું ગળું દબાવ્યું અને તમામ લોકોએ માર મારી એક રૂમમાં બંધ કરી દીધા હતા. ચાર કલાક બાદ રૂમમાંથી ભરતભાઈને બહાર કાઢ્યા હતા. પ્રથમેશ અને વિક્રમે બળજબરીપૂર્વક કોરા કાગળો, કોરા સ્ટેમ્પ અને નોટરીના ચોપડામાં ભરતભાઈ પાસે સહીઓ કરાવી હતી. આ અંગે કોઈને વાત કરી તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આ શખ્સોએ આપી હતી.

આનંદનગર પીઆઈ એસ.જે.બલોચએ જણાવ્યુ હતું કે, પોપ્યુલર ગ્રૂપના પ્રથમેશ અને વિક્રમ સહિત 6 લોકો વિરુદ્ધ આક્ષેપ કરતી અરજી મળી છે. આ અંગે તપાસ કર્યા બાદ ગુનો બન્યો હોવાનું જણાશે તો ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

(11:12 pm IST)