Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સિંધી સમાજમાં અનોખી પરંપરા દિવાળીએ હટડી પૂજાનું માહત્મય

લાકડા અને માટીની રમકડાની દુકાન બનાવી લક્ષ્મીનો ફોટો મૂકી પૂજા કરાય છે

નવી દિલ્હી,તા.૧૪: વડોદરા શહેરમાં ખરા અર્થમાં વિવિધતામાં એકતાં જોવા મળે છે. અહીં ગુજરાતી, મરાઠી, બંગાળી, સાઉથ ઈન્ડિયનથી લઈને સિંધી સમાજ સહિત વિવિધ સમુદાય અને જાતિના લોકો વસે છે. દિવાળી એવો તહેવાર છે, દેશમાં દરેક જગ્યાએ મનાવાય છે. પરંતુ તેમની ઉજવણી રીત અને પરંપરાઓ અનોખી હોય છે. ત્યારે શહેરના સિંધી સમુદાયની વાત કરીએ તો, અહીં અંદાજિત ૮૦ હજારથી વધુ સિંધી સમુદાયના લોકો વસે છે. જેમાં તેઓ દિવાળીની સાંજે હટડી એટલે કે લાકડી અને માટીમાંથી બનેલી રમકડાંની દુકાન બનાવી તેમાં લક્ષ્મીજીનો ફોટો, દીવો અમે મિઠાઈ મૂકી તેમની પૂજા કરે છે, તેમજ સમગ્ર વર્ષ દરમિયાન તેમના વ્યાપારમાં બરકત રહે અને પરિવારમાં ખુશહાલી બની રહે તે માટેની પ્રાર્થના કરે છે.

જે વિશે માહિતિ આપતાં શહેરના વારસીયા વિસ્તારમાં રહેતાં અનિલભાઈ બુધવાલ્રીએ કહ્યું હતું કે, સિંધીઓમાં દિવાળીનો તહેવાર 'ફીયારી' તરીકે ઓળખાય છે. જો કે, દિયારી ઉજવણીના રિતી-રિવાજો અન્ય રિવાજો જેવાં જ છે. સમય જતાં સિંધીઓ પણ વિકસિત થયાં હોઈ દિવાળીમાં હવે સોના-ચાંદીના સિક્કાઓને કાચા દુધ અને પાણીમાં ધોવાં જેવાં કેટલાંક વિશિષ્ટ રિવાજો પણ સમાવાયા છે. લક્ષ્મી પૂજા દરમિયાન ગોળ અને મગફળીમાંથી બનેલી ચિક્કી મૂકવામાં આવે છે. તેમજ આરતી અને પૂજા કર્યા બાદ અમે એક સિક્કો લઈ તેને દાંતથી ચાવવાની પ્રથા અનુસરીએ છે. જે દરમિયાન 'લક્ષ્મી આય હીનત વૈઈ' વાકયનો જાપ કરાય છે. જેનો મતલબ છે કે. લક્ષ્મી આવી અને ગરીબી દુર થઈ. આ વિધિ એક મહ્રત્વપૂર્ણ સંદેશ આપે છે કે, આખરે તમે પૈસાને ખાઈ તો નથી જ શકતા. આખી રાત ધનની દેવી લક્ષ્મીજીના સ્વાગત માટે અમે ઘરોને ખુલ્લાં રાખીએ છે. (૨૨.૮)

સિંધી વેપારી સમુદાય માટે 'દિયારી'નું આગવું મહત્વ : પુજા બાદ નવા ખાતા ખોલવાની વિધિ

. દિયારી એટલે દિવાળીના દિવસે સાંજે સિંધી સમાજના વેપારીઓ લક્ષ્મીજીની પુજા કરી તે રાત્રે નવાં ખાતા ખોલે છે. તેથી જ તેઓ રમકડાંની દુકાન એટલે 'હટડી'માં તેમની સતત ત્રણ દિવસ સુધી પૂજા કરી પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરે છે. જે સમપ્રમાણ ભૌમિતિક ડિઝાઈનમાં માટી અને લાકડામાંથી બનાવાય છે. ઉપરાંત તેના પર પેઈન્ટિંગ, મોતી. જરદોશી સહિતનું કળાત્મક ડેકોરેશન પણ કરાય છે. જે સામાન્ય રીતે ૧૦૦થી ર૦૦ રૂપિયાના ભાવે બજારમાં મળે છે.

 - જગદીશભાઈ મખીજાની, વારસીયા રિંગ રોડ

ઘરમાં પુરૂષોની સંખ્યા અનુસાર હટડી મૂકી તેની પૂજા કરાવાની સૈકા જૂની પરંપરા

. ઘરમાં પુરૂષોની સંખ્યા અનુસાર હટડી મૂકી તેની પૂજા કરાવાની સૈકા જૂની પરંપરા સિંધી સમૂદાય દ્વારા પરિવારમાં જેટલાં પુરુષો હોય છે, તેટલી હટડીની પૂજા કરાય છે. જેમ-જેમ તેમનો વંશ આગળ વધે છે, તેમ-તેમ દર વર્ષે તેઓ હટડીની સખ્યામાં વધારો કરે છે. ઉપરાંત તેઓ મશાલ સળગાવી દરમાં પ્રકાશ ફેલાવે છે. રામજી જયારે વનવાસથી પરત ફર્યા હતા ત્યારે અયોધ્યાવાસીઓએ તેમના સ્વાગતમાં દીવા પ્રગટાવ્યા હતા. જયારે સિંધી સમુદાયના લોકો તે પરંપરાને અનુસરી તેમનાં સ્વાગતમાં જુઆરી સાંઠા એટલે મેલવાન સળગાવી રામજીનું સ્વાગત કરે છે.

(9:45 am IST)