Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

આજે વર્લ્‍ડ ડાયાબિટીસ ડેઃ એકવાર ડાયાબિટીસની ચપેટમાં આવનાર જીવનભર દવા લેવા મજબુર બની જાય છેઃ તણાવયુક્‍ત જીવન-અપૂરતી ઉંઘ સહિતના કારણોથી લોકો આવે છે ઝપેટમાં

અમદાવાદ: ડાયાબિટીસ... એક એવી બીમારી જેને અત્યાર સુધી 'સાયલન્ટ કિલર' માનવામાં આવતી હતી. પરંતુ ડાયાબીટીસ હવે 'મેન કિલર' સાબિત થઈ રહી છે. 14 નવેમ્બરના રોજ દરવર્ષે સમગ્ર વિશ્વમાં ફ્રેડરિક બેનટીંગના જન્મદિવસને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. બે વૈજ્ઞાનિકોએ વર્ષ 1922માં ઇન્સ્યુલિનની શોધ કરી હતી, જેમાંના એક વૈજ્ઞાનિક ફ્રેડરિક બેનટીંગ હતા. તેમની યાદમાં સાથે મેન કિલર બીમારીથી વિશ્વ સજાગ બને તે હેતુથી વર્ષ 1991માં 'WHO' અને 'IDF' દ્વારા 14 નવેમ્બરના દિવસને 'વર્લ્ડ ડાયાબીટીસ ડે' તરીકે ઉજવવાની શરૂઆત થઈ હતી.

ડાયાબિટીસથી 4.6 મિલિયન દર્દીઓના દર વર્ષે મૃત્યુ પામતા હોવાનું માનવામાં આવે છે. તો અંદાજે 50% લોકોને પોતાના ડાયાબિટીસ અંગે અજાણ પણ હોય છે. એક અંદાજ મુજબ મેન કિલર રોગના દર્દીઓની સંખ્યા વર્ષ 2030 સુધીમાં 550 મિલિયન થવાનો અંદાજ છે. શારીરિક શ્રમનો અભાવ, નિયમિત કસરત કરવી, જંક ફૂડનું વધુ પડતું સેવન, તણાવયુક્ત જીવન, પૂરતી ઉંઘ લેવી, વધુ પડતા મીઠા પદાર્થોનું સેવન તેમજ આનુવાંશિક કારણથી વ્યક્તિ ડાયાબિટીસની ઝપેટમાં આવે છે.

ડાયાબિટીસના મુખ્ય લક્ષણો :

વધુ ભૂખ લાગવી, વધુ પડતી તરસ લાગવી, વારંવાર પેશાબ જવું પડે, અચનાક વજન ઘટવા લાગે, ધૂંધળી દ્રષ્ટિ, ઘા-ચીરા જલ્દી ના રૂઝાય, ચામડીના ચેપો, સામાન્ય કામ કરવામાં પણ થાકનો અનુભવ થાય તો પ્રકારની થનારી સમસ્યાઓને ડાયાબિટીસના લક્ષણો માનવામાં આવે છે. ડાયાબિટીસના કારણે શરીરના અન્ય ભાગો પર પણ અસર થતી અનેકવાર જોવા મળે છે.

ડાયાબિટીસ થવાના કારણો :

ડાયાબિટીસ જીવનશૈલીની અનિયમિતતાને કારણે થતો રોગ છે. ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો આપણા રાજ્યમાં પણ ડાયાબિટીસના ઘણાં દર્દીઓ જોવા મળે છે. આપણે ગુજરાતીઓ ખાવાપીવાના શોખીન છીએ અને વિશેષ કરીને ગળી વસ્તુઓ તો ગુજરાતીઓની પ્રિય હોય છે, સાથે વેપાર માટે જાણીતા ગુજરાતીઓ વધુ પડતું કામ મગજ થકી કરતા હોય છે, જેના કારણે દિવસમાં શારીરિક શ્રમ લગભગ નહિવત થઈ જાય છે. પરંતુ વેપાર આપણને આપે છે ધંધાકીય સ્ટ્રેસ, જેના ફળ સ્વરૂપે ગુજરાતીઓમાં ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ ઝડપી વધી રહ્યું છે.

ડાયાબીટીસના પ્રકાર :

ડાયાબીટીસ શરીરમાં શુગરની માત્રા વધવાને કારણે થાય છે અને બીમારીને સામાન્યતઃ બે પ્રકારમાં વહેંચવામાં આવી છે, ટાઇપ-1 અને ટાઇપ-2. જેમાંથી ટાઇપ-1 પ્રકારના ડાયાબિટીસની અસર મનુષ્યની પ્રતિરક્ષા પ્રણાલી (ઇમ્યૂન સિસ્ટમ) પર પડે છે. તે શરીરની ઇન્સ્યુલિન ફેક્ટરી (બેટા-સેલ) પર હુમલો કરે છે જેના કારણે આપણા શરીરમાં શુગરની માત્રા નિયંત્રિત કરવા માટે હૉર્મોન પર્યાપ્ત માત્રામાં બનતા નથી. જ્યારે ટાઇપ-2 પ્રકારના ડાયાબીટીસનું કારણ સામાન્યપણે ખોટી જીવનશૈલી હોય છે. જેના કારણે શરીરમાં ચરબી વધવા લાગે છે અને તે ઇન્સ્યુલિન પર અસર બતાવે છે. ટાઈપ-2 પ્રકારના ડાયાબિટીસ હાલ દર્દીઓમાં વધુ જોવા મળી રહ્યા છે.

નિદાન કરવા શું કરવું :

ડાયાબિટીસના લક્ષણો જણાય તો વહેલી તકે ડાયાબિટીસની તપાસ કરાવવી જોઈએ. ભૂખ્યા પેટે લોહીમા સુગરની તપાસ, જમ્યા પછી લોહીમાં ગ્લુકોઝની તપાસ જેવા લોહીના પરીક્ષણથી ડાયાબિટીસ છે કે નહીં અને શરીરમાં તેનું પ્રમાણ જાણી શકાય છે.

આયુર્વેદ અને ડાયાબિટીસ :

ડાયાબિટીસને આયુર્વેદમાં મધુમેહ રોગ તરીકે ઓળખવામાં આવે છે, જેનું મુખ્ય નિદાન ‘આસ્ય સુખમ સ્વપ્ન સુખમ હાસ્ય’ એટલે બેઠાડું જીવનશૈલી પસંદ કરવાવાળા લોકો અને વધુ પડતી નિદ્રાનું સેવન કરવાવાળા લોકો તેમજ જે લોકો દૂધ કે દૂધની બનાવટોનો, નવા ધાન્યનો, પિષ્ટ અન્ન એટલે કે મેંદાની બનાવટો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે તેવા લોકોને મધુમેહ રોગ થાય છે. આયુર્વેદ મુજબ ડાયાબિટીસની એટલે કે મધુમેહનું નિદાન જો વહેલી તકે શરૂ કરવામાં આવે તો તેને ચોક્કસપણે મટાડી શકાય છે.

ડાયાબિટીસમાં અસરકારક ઔષધો :

મધુમેહની સમસ્યામાં વિવિધ ઔષધો જેવા કે ગળો, આમળા, હળદળ, લીમડો, મેથી, કારેલા, શીલાજીત, વિજયસાર, ગોખરુ, ઉપરાંત ઔષધીય જેવા કે ચંદ્રપ્રભાવટી, મામેજવા ઘનવટી, ત્રિફળા ચૂર્ણ,  રસાયન ચૂર્ણ, વસંતકુસુમાકર રસ જેવાં ઔષધો વૈદ્યની સલાહ અનુસાર લેવાથી ડાયાબિટીસને ચોક્કસપણે મટાડી અથવા નિયંત્રણમાં રાખી શકાય છે.

જો કે માત્ર ઔષધોથી ડાયાબિટીસ મટી જાય એવું પણ નથી હોતું, કેટલાક કિસ્સામાં જીવનશૈલીમાં બદલાવ લાવવો પણ ખૂબ જરૂરી હોય છે. અનેક નિયંત્રણ પણ ઇલાજનો એક ભાગ બની જાય છે. ડાયાબિટીસને મટાડવા માટે આયુર્વેદમાં ખૂબ પરિશ્રમ કરવા માટે કહેવામાં આવે છે, જેમાં નિયમિત કસરત જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની જાય છે.. યોગ્ય ઊંઘ પણ લેવી ખૂબ જરૂરી હોય છે, બને તેટલી ચિંતાનો ત્યાગ કરવો જોઈએ તથા યોગ અને પ્રાણાયામને જીવનનો એક અંગ બનાવવો હિતાવહ માનવામાં આવે છે.

ડાયાબિટીસના દર્દીઓની સંખ્યાની વાત કરીએ તો મેન કિલર રોગ સતત રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. ડોક્ટરોના કહેવા મુજબ 35 વર્ષ બાદ ડાયાબિટીસનું જોખમ વધતું હોવાથી પોતાનું નિયમિત ચેકઅપ કરાવવું ખુબ જરૂરી છે. કેમકે શરૂઆતના સ્ટેજમાં જ 'મેન કિલર' એવા ડાયાબિટીસથી રક્ષણ મેળવી શકાય. એકવાર ડાયાબિટીસની ચપેટમાં આવનાર પાસે જીવનભર દવા લેવા મજબૂર બની જાય છે. ડોક્ટરો કહે છે કે, ડાયાબિટીસને માત્ર કંટ્રોલ કરી શકાય છે, સંપૂર્ણ રીતે મુક્તિ મેળવી શકાતી નથી.

(4:33 pm IST)