Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

કલોલમાં નાગદેવનગર સોસાયટીમાં મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.81 લાખની મતાની ઉઠાંતરી કરી

ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે કલોલના પીયજ રોડ ઉપર આવેલી નાગદેવનગર સોસાયટીમાં પરિવારજનો રાત્રે સુઈ રહયા હતા તે દરમ્યાન તસ્કરોએ મકાનમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧.૮૧ લાખની મત્તા ચોરી લીધી હતી. સવારના સમયે આ ઘટના અંગે જાણ થતાં કલોલ શહેર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.  

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે કલોલ શહેરમાં પીયજ રોડ ઉપર આવેલી નાગદેવનગર સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં સિક્યોરીટી તરીકે ફરજ બજાવતાં રતનસિંહ ચંદ્રસિંહ ઝાલા બુધવારની રાત્રે પરિવાર સાથે ઘરનો દરવાજો બંધ કરીને સુઈ ગયા હતા તે દરમ્યાન રાત્રીના સમયે તસ્કરોએ તેમના ઘરમાં હાથ સાફ કરી લીધો હતો. ઘરમાં રાખેલા પીપમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧.૮૧ લાખની મત્તા ચોરીને તસ્કરો પલાયન થઈ ગયા હતા. રતનસિંહ વહેલી પરોઢે ચાલવા માટે નીકળ્યા હતા અને પરત ફર્યા ત્યારે તેમની દીકરીઓના રૂમના બાજુના રૂમનું હેન્ડલ ખુલ્લું જોયું હતુ અને સામાન વેરવિખેર જણાયો હતો. જેથી તસ્કરોએ હાથ સાફ કર્યો હોવાનો અંદાજ આવી ગયો હતો અને ત્યારે ઘરમાં જોતાં દાગીના અને રોકડ રકમ ગુમ હતી. જેથી આ મામલે તેમણે શહેર પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૂ કરી હતી. શિયાળાની શરૂઆત ધીમે થઈ ચુકી છે ત્યારે તસ્કરો પણ તેનો પુરો લાભ લેવા મેદાને પડયા હોય તેમ ચોરીની ઘટનાઓ વધી રહી છે. 

(6:08 pm IST)