Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

અકસ્માતમાં ગર્ભવતી પુત્રી જમાઈ અને સસરાનું મોત

દિવાળી પહેલાં જ ગોઝારો અકસ્માત : ધોરી માર્ગનું વિસ્તરણ કાર્ય મંથરગતિએ અને આડેઘડ અણઘડ રીતે ચાલતું હોવાના પાપનો ભોગ લોકો બને છે

સુરત,તા.૧૪ : સુરત-ધૂલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગનું વિસ્તરણ કાર્ય મંથરગતિએ અને આડેઘડ અણઘડ રીતે ચાલતું હોવાના પાપનો ભોગ સામાન્ય લોકો બની રહ્યા છે. તાજેતરમાં જે જગ્યાએ સુરતની બે ટ્રાવેલ્સ અકસ્માતનો ભોગ બની હતી અને લોકોનો ભોગ લેવાયો હતો સાથે ૩૫ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા તે જગ્યાએ દિવાળી પહેલા ફરી એક અકસ્માત સર્જાતા તંત્રની બેદરકારી ખૂલી પડી રહી છે. ગોઝારા અકસ્માતના કારણે એક પરિવારના ત્રણ વ્યક્તિોના જીવનદીપ બુઝાઈ ગયા છે. જેમાં મહિલા તો સગર્ભા હોવાનું સામે આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધવા માટે માગ કરી રહ્યા છે. સુરતના ઉધના શહેરમાં દીકરીને પરણાવેલી હોવાથી પિતા દિવાળીના તહેવારમાં સાસરેથી તેડી લાવવા માટે ગાડી લઈને સુરત આવ્યા હતા. સુરતથી પોતાના ગામ પરત ફરી રહેલા સસરા-જમાઈ અને દીકરીને ધુલિયા-સુરત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોંડાઈબારી ઘાટીમાં અકસ્માત નડ્યો હતો. ટ્રક ચાલકે કારને અડફેટમાં લેતા કાર ૩૦ ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. કારમાં સવાર પૈકી ના મોત નીપજ્યા હતાં. મૃતકોમાં ગોરખ સોનુ સરખ (૪૫) (મહીર તા સાકરી જિ. ધૂલિયા) પ્રફુલ સુરેશ વાઘમોડે (૩૫), મનીષા પ્રફુલ વાઘમોડ (૨૧) (બંને રહે. સુરત)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર મૃતક મહિલાની નાની બેન નિકિતા ગોરખ સરખ (૧૫) (રહે. મહિર તા. સાકરી, જિ. ધુલિયા)ને ગંભીર ઈજા થઈ હતી. મૃતકો પૈકી મનિષાના પેટમાં મહિનાનો ગર્ભ હતો. જેનું પીએમ કરવા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતાં ત્યાં મનીષાના ગર્ભમાં દીકરો હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.

(8:43 pm IST)