Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

NHRCએ રાજ્યમાં એટ્રોસિટી એક્ટ અમલીકરણ અને કાર્યવાહીની જાણ કરવા માટે આપ્યા આદેશ

ગુજરાતમાં કાયદાના 22 મુદ્દાઓની જોગવાઈઓનો અમલ કરવા માટે રજૂઆત કરાઈ હતી

 

અમદાવાદ : રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્હીના ચેરપરસન એચ.એલ. દત્તુએ રાજ્યના મુખ્ય સચિવ, ગાંધીનગરને ગુજરાત રાજ્યમાં એટ્રોસિટી એક્ટની કાયદાની જોગવાઈઓ મુજબ આઠ અઠવાડિયામાં અમલીકરણ કરવા અને કરેલી કાર્યવાહીની જાણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

અમદાવાદ સ્થિત માનવ અધિકાર કાર્યકર કાન્તિભાઈ પરમારે ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 અને સુધારા અધિનિયમ 2015 તેના નિયમો 1995 અને 2016નું યોગ્ય કાયદાની જોગવાઈઓ મુજબ અમલીકરણ થાય તે બાબતે -મેલ કરીને રાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ સમક્ષ રજૂઆત કરવામાં આવેલી છે. જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ (અત્યાચાર અટકાવ)અધિનિયમ 1989, સુધારા અધિનિયમ 2015, તેના નિયમો 1995, 2016 મુજબ રાજ્યમાં કાયદાના 22 મુદ્દાઓની જોગવાઈઓનો અમલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

વધુમાં એવી રજુઆત કરી હતી કે, મુખ્યમંત્રી કાયદાની જોગવાઈ મુજબ દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં રાજ્ય તકેદારી અને મોનીટરીંગ સમિતિની કાયદાની સમીક્ષા કરવા મિટિંગ દર માસે નિયમિત બોલવે, ગંભીર અત્યાચારનો ભોગ બનનાર પીડિતોનું કાયદાકીય જોગવાઈઓ મુજબ પુન:વસન કરવામાં આવે ઉપરાંત ખેતીની જમીન, મકાન, સરકારી નોકરી, બાળકો માટે શૈક્ષણિક વ્યવસ્થા, પેન્શન, ભોગ બનેલાઓને પોલીસ રક્ષણ, ફરિયાદમાં ગુનાને લગતી યોગ્ય કલમો, ફરિયાદીને ચાર્જશીટની નકલ, ખાનગી વકીલ રાખવાની જોગવાઈનો અમલ કરી ખાનગી વકીલની વ્યવસ્થા કરવી, ખાસ એક્સક્લુઝિવ કોર્ટોની રચના અને કોર્ટમાં માળખાકીય સુવિધાઓ, કોર્ટમાં ડે ટુ ડે કેસો ચલાવી બે માસમાં ચુકાદો આપવા સહીતની જોગવાઇઓનો અમલ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને ધ્યાનમાં લઈને આયોગે ઉપરોક્ત હુકમ કર્યો છે.

(10:25 pm IST)