Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

વિરમગામમાં જીવદયા પ્રેમીઓએ ઉતરાયણ પર્વના 2 દિવસમા પતંગની દોરીથી ઘાયલ 33થી વધુ પક્ષીઓને સારવાર આપી જીવ બચાવ્યા

કબુતર, રાષ્ટ્રીય પક્ષી મોર, કાબર, બતક સહિતના પક્ષીઓની સારવાર કરાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ઉત્તરાયણના તહેવાર દરમ્યાન અનેક પક્ષીઓ પતંગ દોરીમાં ફસાઇને ઘાયલ થાય છે અને જો પક્ષીઓને તાત્કાલીક જરૂરી સારવાર આપવામાં ન આવે તો ઘાયલ પક્ષીનું મૃત્યુ પણ થઇ શકે છે. વિરમગામ શહેર સહિત પંથકમાં ઉતરાયણના તહેવાર દરમ્યાન પતંગની દોરીથી, તેમજ વીજ કરંટથી ઘાયલ થયેલા પક્ષીઓ ને સારવાર આપવા માટે વિરમગામ ગૌરક્ષા દળ અને શ્રી શાંતીનાથ જૈન મિત્રમંડળ અને સ્નેહ ફાઉન્ડેશન દ્વારા પક્ષી બચાવો જીવદયા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વિરમગામમાં જીવદયા પ્રેમીઓ દ્વારા આગામી 14 અને 15 જાન્યુઆરી (ઉતરાયણ અને વાસી ઉતરાયણ)ના દિવસે ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે હેલ્પલાઇન સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. વિરમગામમાં (1) શાંતિનાથ દેરાસર પાસે (2) ખોડીયાર મંદિર, મુનસર રોડ પાસે ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. જેમા બે દિવસમાં કુલ 33થી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર આપવામાં આવી હતી. જેમા 4 રાષ્ટ્રીય પક્ષી મોર, 26 થી વુધુ કબુતરો, 1 કાબર, 2 બતક સહિતના પક્ષીઓની સારવાર કરાઇ હતી.  સારવાર આપી પક્ષીઓ ને વિરમગામ પાંજરાપોળ મૂકવામા આવ્યાં હતાં. ઘાયલ પક્ષીઓને સારવાર અપાવવા માટે પશુચિકિત્સક ડો.ચિરંજીવી રાઠોડ, પ્રવિણભાઇ શાહ, પીયૂષ ગજ્જર, વિપુલભાઇ ગાંધી, નગીનભાઈ દલવાડી, જનકભાઇ સાધુ, જે.ડી.રાજપૂત, લાલજી ચાવડા, સતિષ ઠાકોર, દશરથ ઠાકોર સહિતના જીવદયા પ્રેમીઓએ જહેમત ઉઠાવી હતી

(9:05 pm IST)