Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

નર્મદા જિલ્લામાં પહેલા દિવસે કોરોના વિરોધી રસી કુલ ૧૪૦ જેટલાં હેલ્થ કેર વર્કરને આપવામાં આવશે

જિલ્લામાં હેલ્થ કેર વર્કર,ફ્રન્ટ લાઇન વર્કર,૫૦ થી ઓછી વયના અને ૫૦ થી વધુ વયના અંદાજીત ૧.૨૦ લાખ જેટલા લોકોને કોવીડ-૧૯ વેક્સીનેશન હેઠળ આવરી લેવાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી. પટેલે જણાવ્યું હતું કે, તા.૧૬ મીના રોજ વડાપ્રધાનના હસ્તે સવારે ૧૦:૦૦ થી ૧૦:૩૦  કલાકે કોવીડ-૧૯ વેક્શીનેશનનો ઓનલાઇન લોન્ચીંગ કાર્યક્રમ યોજાશે. ભારત સરકારની માર્ગદર્શિકા પ્રમાણે પ્રથમ તબક્કામાં પ્રાયોરિટી તરીકે હેલ્થકેર વર્કરોને તા.૧૬/૦૧/૨૦૨૧ ના રોજ રાજપીપળા અર્બન હેસ્થ સેન્ટર ખાતે પૂર્વ ધારા સભ્ય હર્ષદભાઇ વસાવા અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવી ઉપસ્થિતિ રહેશે.
    ડૉ.પટેલે વધું ઉમેર્યું હતું કે, નર્મદા જિલ્લામાં વેક્સીનેશનના કુલ-૫૨૦૦ ડોઝ આપવામાં આવેલ છે, પ્રથમ તબક્કામાં ઓનલાઇન વેક્સીનેશન હેઠળ ૪૨૦૨ જેટલાં હેલ્થ વર્કરોની સાથે સંલગ્ન કર્મચારીઓના નામોની નોંધણી કરાઇ છે, તે તમામને આવરી લઇને ૧૦૦ ટકા કામગીરી થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે.
    અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીતે જણાવ્યું હતું કે, રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પ્રથમ દિવસે ૧૦૦ અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૪૦ સહિત કુલ ૧૪૦ જેટલાં લોકોને પ્રથમ દિવસે અગ્રતા ક્રમે રસી આપવામાં આવશે.

(11:44 pm IST)