Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ચાઈનીઝ દોરીના જથ્થા સાથે નવ શખ્સોને ઝડપી પાડયા

આણંદ: શહેર પોલીસની ટીમે ગઈકાલે સાંજના સુમારે ભાલેજ ઓવરબ્રીજ નજીકથી સલમાનભાઈ મેહબુબભાઈ મુલ્તાનીને ચાઈનીઝ દોરીના પાંચ નંગ ફીરકા સાથે ઝડપી પાડી જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાસદ પોલીસ ટીમે ગઈકાલ સમીસાંજના સુમારે વાસદની સત્યનારાયણ હોટલ સામેના ગરનાળા તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવીને એક મોટરસાયકલ ચાલક સંજયભાઈ જગદીશભાઈ સોલંકી (રહે.સાંકળદા)ને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેના થેલાની તલાશી લેતા અંદરથી ચાઈનીઝ દોરીના છ નંગ ફીરકા મળી આવ્યા હતા. આંકલાવ પોલીસની ટીમે ગતરોજ નવાખલ ગામના જાદવવગામાં ઓચિંતો છાપો મારી મહેશભાઈ શનાભાઈ જાદવને ચાઈનીઝ દોરીના ૧૫ નંગ ફીરકા તેમજ રોકડા રૂા.૧૨૫૦ સાથે કુલ્લે રૂા.૩૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે નવાખલની ઘેલજી ચોકડી ખાતેથી કિરણભાઈ ભાઈલાલભાઈ સોલંકી (રહે.નવાખલ)ને ઝડપી પાડી ચાઈનીઝ દોરીના ૧૦ નંગ ફીરકા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પેટલાદ ગ્રામ્ય પોલીસની ટીમે સુંદરણા ગામના બસ સ્ટેન્ડ પાસેથી જલાલોદ્દીન ઉર્ફે નાસુ સલીમોદ્દીન શેખ, તન્વીરહુસેન મુખત્યારહુસેન મલેક, યુનુસખાન ઉર્ફે કાળીયો અમજદખાન પઠાણ (ત્રણેય રહે.પેટલાદ), વિજય ઉર્ફે લાલો પ્રભાતભાઈ જાદવ તથા દિનેશભાઈ ઉર્ફે વિપુલ રાવજીભાઈ જાદવ (બંને રહે.અરડી)ને ઝડપી પાડી ઉક્ત પાંચ શખ્શો પાસેથી ચાઈનીઝ દોરીના કુલ ૨૮ નંગ ફીરકા કબ્જે લઈ તમામ શખ્શો વિરૂધ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

 

(6:10 pm IST)