Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

વડોદરા:હાલોલ-વડોદરા હાઇવે નજીક જેસીબીએ બાઇકને હડફેટે લેતા યુવાનનું કરૂણ મોત

વડોદરા: હાલોલ-વડોદરા હાઇવેના સર્વિસરોડ પર એક જેસીબીએ બાઇકને ટક્કર મારતા બાઇકચાલક યુવાનનું કરૃણ મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે વાઘોડિયા તાલુકાના હાંસાપુરા ગામે ટેકરી ફળિયામાં રહેતો મહેશ કિરવતસિંહ ચૌહાણ(ઉ.વ.૨૪) મછલીપુરા ગામે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ગઇકાલે સવારે તે પોતાની બાઇક લઇને ખેતર જવા માટે નીકળ્યો હતો. મહેશ હાલોલ-વડોદરા હાઇવેના સર્વિસરોડ પરથી આસોજ પાસેથી પસાર થતો હતો ત્યારે સામેથી આવતા એક જેસીબી વાહને બાઇકને ટક્કર મારતા મહેશ બાઇક પરથી ઉછળીને નીચે પટકાયો હતો.

આ અકસ્માત બાદ જેસીબી મૂકીને ચાલક ફરાર થઇ ગયો હતો જ્યારે લોકો ભેગા થઇ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહેશને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ જીસીબીના ચાલક સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે મહેશના થોડા સમય પહેલાં જ લગ્ન થયા હતાં.

(6:12 pm IST)