Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ઉત્તરાયણમાં પણ દેશદાઝ દેખાડી :ફુગ્ગાંઓ સાથે ધ્વજ ફરકાવ્યો

આસપાસના ધાબા પરના તમામ રસિયાઓએ પતંગ ચડાવવાનું છોડીને આકાશમાં ઉડતા ધ્વજને જોઈને સલામ કરી

અમદાવાદ :ઉત્તરાયણના તહેવારમાં આ વખતે શુક્રવાર, શનિવાર અને રવિવારનો સંયોગ થતાં પતંગ રસિયાઓને ત્રણ દિવસ ઉત્તરાયણ મનાવવા મળશે. છેલ્લાં એક સપ્તાહથી જ યુવાનોમાં ઉત્તરાયણ શરૂ થઇ ગઇ હતી. આ વખતે ધાબા પર ડી.જે. વગાડવા પર તેમ જ બહારના લોકોને ભેગા કરવા સામે પ્રતિબંધ હોવાના કારણે પતંગ રસિયાઓની મઝા ઉડી ગઇ હતી. તેમાંય વળી ડી.જે.ના તાલે ઝૂમતાં યુવાનોમાં નિરાશા વ્યાપી ગઇ હતી.

બીજી તરફ સરકારે સરકારી કચેરીઓમાં શનિવારે રજા જાહેર કરતા ત્રણ દિવસની રજા મળી હોવાથી ઘણાં પરિવારો બહારગામ ફરવા જતાં રહેતા હોય છે. પણ આ વખતે કોરોનાના કારણે લોકોએ ના છૂટકે ઉત્તરાયણ ધાબે મનાવી હતી. તેમાંય અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના શાસ્ત્રીનગર ટેનામેન્ટમાં વર્ષોથી ઉત્તરાયણમાં પણ દેશદાઝ દાખવતાં વિજય ગુપ્તે પરિવારે ફુગ્ગાંઓ સાથે ધ્વજ ઉડાવી હતી. એક સમયે આસપાસના ધાબા પરના તમામ રસિયાઓએ પતંગ ચડાવવાનું છોડીને આકાશમાં ઉડતા ધ્વજને જોઈને સલામ કરી હતી.

એટલું જ નહીં ગુપ્તે પરિવાર દર વર્ષે ફુગ્ગાંઓ સાથે રાષ્ટ્રધ્વજ બાંધીને આકાશમાં રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. આ વર્ષે તેમણે અનોખો પ્રયોગ કર્યો હતો. આ નજારો જોવા આસપાસના ધાબાં પર ચડેલા રહીશો તેમ જ પતંગ રસિયાંઓએ ચીચયારીઓ પાડીને વધાવી લેવાની સાથોસાથ સમગ્ર વિસ્તારને ગજવી મૂકયો હતો.

વિજયભાઈ ગુપ્તેએ જણાવ્યું કે, ઉત્તરાયણ પણ રાષ્ટ્રીય તહેવાર છે. જો કે ગુજરાતમાં તે સવિશેષ રીતે મનાવવામાં આવે છે. પતંગની જોડે રાષ્ટ્ધ્વજ ઉડાડવામાં આવે છે. એક સરખું વજન ધરાવતા ફુગ્ગાંઓ સાથે રાષ્ટ્રધ્વજ બાંધીને ઉડાડવામાં આવે છે. જેથી તે પવનની સાથે ઊંચે ને ઊંચે ઉડે છે.

પહેલાં પતંગ સાથે તુક્કલો ઉડાડવાની જ પ્રથા હતી. પરંતુ તેમાં મહેનત કરવી પડે તેની સાથોસાથ પવન અને પતંગ સ્થિર હોવા પણ જરૂરી છે. તેને કાપવા માટે રિતસરની પડાપડી થતી હતી. આ તુક્કલમાં મિણબત્તી હોવાથી પવનમાં બુઝાઇ જાય અથવા તો પછી પતંગ રસિયાંઓ સમય જતાં પતંગ નીચે ઉતારી લે છે. જેના કારણે આગની ઘટનાઓ જવલ્લે જ બને છે. પરંતુ ચાઇનીઝ તુક્કલ તો હવામાં છોડયાં પછી તેના પર કોઇનો કાબૂ રહેતો નથી. તે નીચે પડવાના કારણે આગની ઘટનાઓ વધતી જતી હતી. જેથી તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

કોરોનાના કારણે લોકોની મોડીરાત સુધી ધાબા પર ભીડ અટકાવવા માટે મ્યુઝિક સિસ્ટમ વગાડવા પર પોલીસના પ્રતિબંધના લીધે ડી.જેના તાલે ઝૂમી ઉઠતા પતંગ રસિયાઓ નિરાશ થયા છે. તેની સાથે રાત્રિના ગરબા કરતા યુવક, યુવતીઓ તો ખરા જ, પણ પરિવારના તમામ સભ્યોમાં નારાજગી જોવા મળી હતી.

રાત પડતા જ પતંગ સાથે તુકકલ ઉડાડવામાં આવતા હતા. તેને કાપવા માટે યુવાનો મોડીરાત સુધી ભારે પ્રયત્નો કરતા હતા. સમય જતાં તેનું સ્થાન ચાઈનીઝ તુકકલે લીધું હતું. પરંતુ તે આડે અવળે પડતા હોવાથી આગના બનાવો બનતા હોવાથી તેના પર પણ પાછળથી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જેથી લોકોએ નવું શોધી કાઢ્યું હતું.અને રાત પડતાં જ ફટાકડાં તથા આકાશમાં આતશબાજી કરીને દિવાળી જેવો માહોલ સર્જી દે છે.

(8:32 pm IST)