Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કોરોનાની લહેર સુરતની કાપડ બજાર માટે બની અભિશાપ

ગત વર્ષ લોકડાઉનમાં અને આ વર્ષ પણ શટડાઉનમાં જ વિતશે

રાજકોટ,તા. ૧૫: કોરોનાની મહામારી સતત બીજા વર્ષે પણ ભયાનક રીતે પ્રસરી છે , ગત વર્ષ કરતાં આ વર્ષે કોરોનાનું સંક્રમણ દેશ અને દુનિયામાં ખૂબ જ ફેલાયેલ છે તેવામાં સુરતની કાપડ બજારમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાની મહામારીનું ગ્રહણ લાગ્યું છે. ગયા વર્ષે લોકડાઉનનાં કારણે વેપારીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને આ વર્ષે શટડાઉનનાં કારણે વેપારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે.

બે વર્ષે પહેલા સુરતની કાપડ બજારમાં ચૈત્ર વૈશાખ દરમિયાન કારોબાર ૩૦ % સુધી થઈ જતું હતું જે હવે ઓફ સિઝનમાં બદલી ગયું છે જોકે કાપડનો કારોબાર આમ તો આખું વર્ષ ચાલતું જ રહે છે પરંતુ માર્ચથી જૂન સુધી લગ્ન સિઝનમાં સૌથી વધુ વ્યાપાર થાય છે. તેમાં પણ એપ્રિલનો મહિનો સૌથી વધુ વ્યાપાર માટે પિક અપ મહિનો ગણવામાં આવે છે.

સુરતની કાપડ બજારમાં ૯૮ % વ્યાપારીઓ પાસે આ સિઝન દરમિયાન વ્યાપાર ભરપૂર હોય છે . પરંતુ આ કોરોના મહામારીની બીજી લહેરના કારણે આ વર્ષ પણ ફ્લોપ ગયું છે. લોકડાઉન ભલે ન થયું હોય પણ સ્વયંભૂ લોકડાઉન અને શટડાઉનનાં કારણે વ્યાપારીઓ ખૂબ જ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.

કોરોના મહામારીને કારણે અન્ય રાજયોમાં ટ્રાન્સપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે જેને કારણે વેપારી વધારે હાલાકી ભોગવી રહ્યા છે.

(3:56 pm IST)