Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

વધતા જતા કોરોનાને ધ્યાનમાં લઈને ધંધુકામાં 10 બેડના કોવીડ સેન્ટરની રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મંજૂરી

ધંધુકા: શહેરની રેફરલ હોસ્પીટલમાં ૧૦ બેડના કોવિડ સેન્ટરની રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવી છે. જેની સત્તાવાર મંજુરી લેટર અમદાવાદજીલ્લા કલેકટર દ્વારા તેનું અમલીકરણ કરવા માટે ધંધુકા સરકારી દવાખાના ડો. ઉદિત જુવાલીયાને નોડલ પર્સન તરીકે નીમી આપવામાં આવ્યો હોવાનું ધંધુકાના ધારાસભ્ય દ્વારા જણાવાયું હતું.

ધંધુકા ૫૯ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રાજેશ ગોહીલ દ્વારા જણાવાયું હતું કે, ધંધુકા તાલુકામાં પાછલા કેટલાક દિવસથી કોરોનાની મહામારીનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાતા ફફડાટ વ્યાપી ગયો છે. સતત વધી રહેલા કોરોનાના કેસોને લઈ તંત્ર દ્વારા વેકસીનેશન સાથે લોકોને જાગૃત કરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ શહેરોમાં કોરોનાની સ્થિતિ અતિ વિસ્ફોટક હોય ત્યાં હોસ્પિટલો ભરચક થઈ ગઈ છે. ત્યારે ગ્રામીણ વિસ્તારમાં કોવિડના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે ઉદ્દેશથી કોવિડ સેન્ટર શરૂકરવામાં આવી રહ્યું છે.ધંધુકા તાલુકામાં અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે દ્વારા લેખીત રીતે સરકારી હોસ્પીટલ ધંધુકા ખાતે વર્તમાન મહામારીને લઈ દર્દીઓને સારવાર મળી રહે તે માટે સત્વરે ૧૦ બેડના કોવિડ કેર સેન્ટરની સુવિધાની મંજુરી આપવામાં આવી છે. પત્રમાં કરાયેલા ઉલ્લેખ મુજબ જીલ્લામાં ૪૫૦૦ જેટલા કેસો નોંધાયા છે અને ૬૪ લોકોના મૃત્યુ થયા હોય મહામારીને અટકાવવા માટે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધુમાં વધુ કોવીડ કેર સેન્ટરો તથા ડેઝીગ્નેટે કોવીડ સેન્ટરો બનાવવાની સુચના આપવામાં આવી છે. જેના અનુસંધાને ધંધુકાની સરકારી હોસ્પિટલ ખાતે નોડેલ ઓફીસર ડો. ઉદીત જુવાલીયા અને ટીમ દ્વારા ૧૦ બેડના કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓનો ઉપચાર કરવામાં આવશે. સેન્ટરમાં દર્દીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ મળી રહેશે.

(5:39 pm IST)