Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

મોંઘવારીનો માર એટલે કે દાઝયા પર દામ અને પડતા પર પાટુ સમાન : ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ પીએમ મોદીને ધડાધડ 12 ટ્વીટ કર્યા

ઓક્સિજનની અછતના કારણે 12 હજાર બેડ ખાલી :ગુજરાતના જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વિકરાળ અને ઓક્સિજનનો બફર સ્ટોર નથી કે નથી વેન્ટીલેટર: માસ્ક નહીં પહેરવાનો 1 હજાર દંડ ઉઘરાવવાને બદલે પ્રજાનું હિત જ વિચારવું

ગાંધીનગર : કોરોનાના કપરા સમયમાં દેશ પસાર થઇ રહ્યો છે. એક તરફ કોરોનાનો ભય અને દહેશત છે ત્યારે બીજીબાજુ મોંઘવારી, બેરોજગારીનો ભય લોકોને સતાવી રહ્યો છે.વળી પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આમ દેશવાસીઓને આ મહામારીમાં મોંઘવારીનો મહામાર મતલબ કે દાઝયા પર દામ અને પડતા પર પાટુ સમાન હોવાનું ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના ( અખિલ ભારતીય ) પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું છે. તેમણે આ અંગે દેશના વડાપ્રધાન મોદીને દેશની જનતાની લાગણીને વાચા આપવા માટે ટ્વીટ એકાઉન્ટમાંથી 12 અલગ અલગ ટ્વિટ કર્યા છે.

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ ( અખિલ ભારતીય )ના પ્રમુખ મુકેશ પરીખે દેશના વડાપ્રધાન મોદીને કરેલા અલગ અલગ ટ્વીટમાં જુદી જુદી સમસ્યાઓ રજૂ કરી છે. જેમાં ઓક્સીજન વગર લાઇફ નથી. ગુજરાતને દરરોજ 1500 ટન ઓક્સિજન સપ્લાય કરો, ઓક્સિજનની અછતના કારણે 12 હજાર બેડ ખાલી છે. દર્દીઓને સહકાર માટે દેશના તમામ જિલ્લાઓમાં 24 કલાકમાં પાવરફૂલ કંટ્રોલરૂમની આવશ્યકતા છે. ગુજરાતના જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વિકરાળ અને ઓક્સિજનનો બફર સ્ટોર નથી કે નથી વેન્ટીલેટર.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, પ્રજા પાસેથી માસ્ક નહીં પહેરવાનો 1 હજાર દંડ ઉઘરાવવામાં આવે છે. તેના બદલે તમારે પ્રજાનું હિત જ વિચારવું હોય તો તેમને દંડની રકમ સામે કવોલીટીવાળી માસ્ક ફરજિયાત આપો. તેનાથી બે કામો થશે. પ્રજાને દંડ પણ થશે અને દંડ બદલ માસ્ક આપવામાં આવશે. તો તેઓ પણ આ માસ્ક પહેરશે. અને 1 હજાર રૂપિયામાં અનેક સંખ્યામાં માસ્ક મળ્યા હોવાથી બીજાને પણ આપશે. તેનાથી કોરોના વિરુધ્ધ જંગ માટે હેલ્પ મળશે.

તેમણે એમ પણ જણાવ્યું છે કે, દર્દથી પીડાતા દર્દી તથા તેના સગાંઓ સાથે છેતરપીંડી કરનારા તમામ મેડિકલ માફીયાઓને નેશનલ સીકયોરીટી એકટ્ અન્વયે ધરપકડ કરીને જેલ ભેગાં કરો. એટલું જ નહીં પરંતુ વટહુકમ બહાર પાડી દર્દીના જીવને જોખમમાં મૂકતાં મેડિકલ પ્રોડ્કટના કાળા બજાર અને નકલી સામાનના વેચાણ બાબતે દોષિતોને આજીવન કેદની સજા કરવાની જોગવાઇ કરવામાં આવે. ઉપરાંત આયુષ્યમાન ભારત અને રાજય સરકારના હેલ્થ કાર્ડ ખાનગી હોસ્પિટલો દ્રારા સ્વીકારવામાં આવે. અને હોસ્પિટલોમાં આર્થિક વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવે. અને દર્દીઓના હોસ્પિટલોના બિલ સરકાર અને વીમા કંપનીઓ ચુકવે તેવી ક્રાંતિકારી સ્ક્રીમ અમલમાં મૂકવામાં આવે. તેનાથી અનેક પ્રશ્નોના નિરાકરણ આવી જશે.

મુકેશ પરીખે વધુમાં એવું પણ ટ્વીટ કર્યું છે કે, દેશની મોટાભાગની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની પ્રોપર સુવિધા નથી. જેથી કોવિડ 19ના દર્દીઓનું આગ-અકસ્માતમાં મુત્યુ થાય છે. જે સરકાર અને પ્રસાશન માટે શરમજનક ઘટના છે. ક્રિમીનલ ઓફેન્સ છે. કોરોના અને મીની લોકડાઉનના સમયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 80 કરોડ ગરીબોને નિશૂલ્ક 5 કિલો અનાજનો પુરવઠો આપવો તે મજાક સમાન છે. તેના સ્થાને 50 કિલો ફ્રી અનાજ આપવામાં આવે તેવી માંગણી કરી છે. તેમ જ કોરોના કાળ બાબતે કેન્દ્ર સરકાર દ્રારા શ્વેતપત્ર જાહેર કરે, મુત્યુના સાચા આકડાં તેમ જ દર્દીઓના હિત માટે મેડિકલ પ્રોડક્ટ, ઓક્સીજન, વેન્ટીલેટર, રેમડેસિવીર ઇન્જેકશનો તેમ જ તમામ મેડીસિનની ઉપલબ્ધતા બાબતે દેશને વિશ્વાસમાં લવા શ્વેતપત્રમાં તમામ વિગતો જાહેર કરવામાં આવે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, કોરોના કાળ અને લોકડાઉન પીરીયડમાં ગ્રાહકોને રાહત આપવા પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો અટકાવી એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કરવામાં આવે તથા દેશમાં તમામ વ્યક્તિઓને નિશૂલ્ક રસી સમયસર આપવાની વ્યવસ્થા અસરકારક કરી એકસમાન ભાવ રાખવા જોઇએ. પરંતુ બજારમાં ડુપ્લીકેટ અને નિમ્નકક્ષાની રસી ના આવે તે માટે સુરક્ષિત પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી છે

(9:24 am IST)