Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

અમદાવાદમાં સેવાભાવી સંસ્થા “જસ્ટ 100” દ્વારા સિવિલ હોસ્પિટલના 1000 સેવા કર્મીઓ માટે રાશન કીટ વિતરણ

સલામતી સિક્યુરિટી સંસ્થા દ્વારા હોસ્પિટલ સ્ટાફ માટે ઇકો ગાડીનું દાન કરાયું

અમદાવાદ :કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલ સુપેરે કામગીરી કરી રહી છે. આ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલના કોરોના સેવાયજ્ઞમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ જોડાઇને સિવિલ હોસ્પિટલના સ્ટાફથી લઇ સારવાર અર્થે આવતા દર્દીઓના પરિવારજનોને મદદરૂપ બની છે.

કોરોના મહામારીમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની સ્વાસ્થ્યની દરકાર કરીને હોસ્પિટલના તમામ હેલ્થકેર વર્કસ દિવસ રાત રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. તબીબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફની સાથે-સાથે સફાઇકર્મીઓ પણ આ કપરી પરિસ્થિતિમાં દાયિત્વ અદા કરી રહ્યાં છે.

આ સેવાકર્મી સફાઇ કર્મીઓના દાયિત્વને બિરદાવવા આજે અમદાવાદની સેવાભાવી સંસ્થા “જસ્ટ 100” દ્વારા સિવિલ હોસ્પિટલના સેવાકર્મીઓના પરિવારો માટે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ આરોગ્યકર્મીઓના પરિવારજનોને રાશનકીટ ઉપયોગી નીવડે તે હેતુસર આ સેવાભાવી સંસ્થા દ્વારા ઉમદુ કાર્ય કરવામાં આવ્યું છે. આ કીટમા પાંચ કિલો ઘઉં, બે કિલો ચોખા, બે કિલો ખાંડ, એક લીટર તેલ, મગ દાળનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી સિક્યુરીટી સેવા આપી રહેલી સલામતી સિકયુરીટી સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલ સ્ટાફ મિત્રોને હોસ્પિટલમાં અવર જવરમાં અનુકુળતા અને સરળતા રહે તે માટે એક ઇકો વાનનું દાન કરવામાં આવ્યુ હતુ.

સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટના ધર્મપત્ની વૈશાલીબેન મોદીની પ્રેરણાથી અમદાવાદની સેવાભાવી સંસ્થા “જસ્ટ 100” ના રિચાબેન પાઠક, સચિન ઠક્કર, સુકેતુ મોદી અને વિશાલ રાજપુરોહિતે સિવિલ હોસ્પિટલમાં દાનની સરવાણી કરી હતી.

સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી.મોદી દ્વારા ઉક્ત બંને સેવાભાવી સંસ્થાના ઉમદા કાર્ય અને સમાજ પ્રત્યેના દાયિત્વને બિરાદાવીને તેમને આવકારવામાં આવ્યા હતા.

(9:39 pm IST)