Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

છેલ્લા બે દાયકામાં પહેલીવાર મે મહિનામાં વાવાઝોડું ગુજરાતના સાગરકાંઠે ત્રાટકશે: જે ભયાનક સ્વરૂપ પકડી ૧૧૮ થી ૧૬૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે છે

સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ ગુજરાતમાં મે મહિનામાં છેલ્લે ૨૦૦૧ માં હરિકેન એઆરબી ૦૧ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું.

અરબી સમુદ્ર પર લો પ્રેશર ક્ષેત્ર ૧૬ મે એટલે કે રવિવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાશે. એક આગાહી અનુસાર આ ચક્રવાત જે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ વિસ્તારમાં રચાય છે તે શનિવારની સવાર સુધીમાં તે જ વિસ્તારમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને ૨૪ કલાક પછી તે ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ લેશે.

અરબી સમુદ્રમાં રચાયેલા મોટાભાગના ચક્રવાત પશ્ચિમના સોમાલિયા, યમન અને ઓમાન તરફ જાય છે. મધ્ય અરબી સમુદ્ર પર બનેલા બહુ ઓછા તોફાનો ગુજરાતના દરિયાકાંઠે પહોંચે છે. આ કારણોસર તૌકતે વાવાઝોડાના આગમનની આગાહી એ એક મહત્વપૂર્ણ મોસમી ઘટના છે. સ્કાયમેટ વેધરનો રિપોર્ટ કહે છે કે મેમાં રચાયેલા કોઈપણ વવાઝોડાનો રૂટ તૌકતે જેમ હોતો નથી. ૧૯૯૯ થી ચોમાસા પૂર્વેની અને ચોમાસા પછીની સિઝનમાં ભારતીય સમુદ્રમાં કુલ ૬૦ સાયકલોનીક તોફાનો આવી ગયા છે. તેમાંથી ૧૭ વાવાઝોડા મે, ૨૩ ઓક્ટોબરમાં અને ૨૦ વાવાઝોડા નવેમ્બર મહિનામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૫, ૨૦૧૧ અને ૨૦૧૨ ની પૂર્વ-ચોમાસાની સીઝનમાં કોઈ સમુદ્રી તોફાન આવ્યા નહોતા.

સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ, આગામી ૨૪ કલાકમાં તીવ્ર ચક્રવાત વાવાઝોડું બનવાની સંભાવના છે. એવું માનવામાં આવે છે કે આ તોફાન ખૂબ જ ગંભીર સ્વરૂપ લઈ શકે છે અને ૧૧૮ થી ૧૬૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. વાવાઝોડા  દરમ્યાન ભારે પવન સાથે ભારે વરસાદને કારણે મોટા વિસ્તારોમાં, મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ અને દીવ તથા ગુજરાતના સાગરકાંઠાને આ  ચક્રવાત તૌકેતનાં પડકારનો સામનો કરવા માટે સજાગ રહેવું પડશે.

(10:34 pm IST)