Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

આ વડીલો પોલીસના ફોનથી ડર અનુભવવાને બદલે રાજી રાજી થઇ જાય છેઃ બોટાદ જિલ્લાની અનોખી કથા

ગુજરાત પોલીસના સેવા,સુરક્ષા અને શાંતિના મંત્રને ચરિતાર્થ કરતો અનુકરણીય સેવાયજ્ઞ : નિસંતાન દંપતીઓના પૌત્ર બની બોટાદ એસપી હર્ષદ મહેતા ટીમ દ્વારા રાશનની વ્યવસ્થા માટે દાદા દાદીના દોસ્ત યોજનામાં ઘરની રૂબરૂ મુલાકાત પણ લેવામાં આવે છે

રાજકોટ તા.૧૫, ગુજરાત પોલીસનો મંત્ર છે. સેવા, સુરક્ષા અને શાંતિ, આ મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરવાનું અનોખું અભિયાન બોટાદ જિલ્લામાં કોરોના મહામારીમાં ગુજરાતમાં પગરણ થયા ત્યારથી જ આમ તો પ્રારંભ થયેલ પરંતુ બીજી લહેર સુધીમાં આ અભિયાન તબક્કાવાર તેમાં વધુને વધુ માનવતાના રંગો પૂરતા જાય છે. ત્યારે આ મહામારીમાં આ અનોખા સેવા યજ્ઞની કથા ખૂબ અનુકરણીય હોવાથી જાણવી જરૂરી બની છે. આ સમગ્ર અભિયાનના સુકાની બોટાદ જિલ્લા એસપી શ્રી.હર્ષદ મહેતા છે અને તેમની પીઠ થાબડી સતત પ્રોત્સાહિત કરનાર ભાવનગર રેન્જ વડા અશોક કુમાર યાદવ છે.

દાદા દાદીના દોસ્ત અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા રિયલ સ્પિનટેક્ષ રાણપુરના સંયુકત ઉપક્રમે નિસંતાન એવા ૧૦૦થી વધુ સિનિયર સિતિજનોને રાશન કીટ આપી તેમને સધિયારો આપવા સાથે ટેલીફોનીક સંપર્ક કરી નિયમિત રૂપે દાદા દાદીના દોસ્ત યોજના અંતર્ગત તેમની તબિયત વિષે માહિતી મેળવી તથા યોગ્ય મદદ કરવામાં આવે છે અહીથી સંતોષ માનવાને બદલે સમયાંતરે તેમના ઘરની મુલાકાત લેવામાં આવે છે.

પ્રતિકાત્મક રીતે ૭ વ્યકિતઓને કીટ આપી બાકીની વ્યકિતઓને એક માસના રાશનની કીટ ઘેર બેઠા પોચડવામાં આવે છે. આ પહેલા મેડિકલ કેમ્પ રખાયેલ.

આ ઉમદા કાર્યમાં પોલીસ સુપ્રિ હર્ષદ મહેતા સાથે કૌશરભાઈ કલયાણી, સિરાજભાઈ ગાગાણી, બોટાદના ઇન્ચાર્જ પીઆઇ એચ. આર.ગોસ્વામી,મહિલા પોલીસના ઇન્ચાર્જ પીઆઇ સુ શ્રી આર.એમ. ચૌહાણ વિગરે પ્રતીકાત્મક કાર્યક્રમમાં ભાગ લીધેલ

(12:00 pm IST)