Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

પૂ્જ્ય જોગી સ્વામી તો જન્મસિદ્ધ યોગી હતા: શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અખંડ ધૂન, પૂજન અને ઠાકોરજીને અભિષેક કરી SGVP ગુરુકુલમાં ઉજવાયેલ જોગી સ્વામીની ૧૧૬ મી જન્મ જયંતી: જોગી સ્વામીની સ્મૃતિમાં છારોડી ગુરુકુલમાં દરરોજ યજ્ઞ કરવામાં આવશે

અમદાવાદ તા.૧૫ SGVP ગુરુકુલમાં પૂજ્ય  શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને અખંડ અનુષ્ઠાન પરાયણ શ્રી પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં અખંડ ભગવત પરાયણ અક્ષર નિવાસી શ્રી જોગી સ્વામીની ૧૧૬મી જન્મજયંતી ઉજવાઇ હતી.

વહેલી સવારે જોગી સ્વામીની જન્મ જયંતી નિમિત્તે SGVP ગુરુકુલ, મેમનગર ગુરુકુલ, રિબડા ગુરુકુલ, દ્રોણેશ્વર ગુરુકુલ અને સવાના અમેરિકા ગુરુકુલમાં અખંડ ધૂન રાખવામાં આવી હતી.

     છેલ્લા અેક માસથી SGVP ગુરુકુલમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વક્તા પદે ચાલી રહેલ ઓન લાઇન કથા પ્રસંગે પૂજ્ય જોગી સ્વામીના જન્મ જયંતી પ્રસંગે  ઠાકોરજીનું ષોડશોપચાર પૂજન, ઠાકોરજીને અભિષેક અને  જનમંગલ સ્તોત્રની ૧૦૮ નામાવલિથી પૂજન કરવામાં આવેલ.

પૂ્જ્ય જોગી સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પતા પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે પૂ્જ્ય જોગી સ્વામી તો જન્મસિદ્ધ યોગી હતા. જોગી સ્વામીના સંત જીવનથી આપણને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા સમજાય છે. પૂ. જોગી સ્વામી તપસ્વી, નિસ્પૃહી અને ભજન પરાયણ સંત હતા.

   જોગી સ્વામી સૌના હતા, એને કોઇ સીમાડા નહોતા, એથી જ આજે સંપ્રદાયના સંતો અને હરિભકતોમાં પૂજનીય છે. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના જમણા હાથ સમાન પૂ. જોગી સ્વામીએ ગુરુકુલના વિકાસમાં અગત્યનો ફાળો આપેલ છે. ગુરુકુલમાં દાખલ થયેલ હજારો વિદ્યાર્થીઓમાં અધ્યાત્મનું સિંચન કરવામાં જોગી સ્વામીનો અમુલ્ય ફાળો રહેલ છે.

    આ પ્રસંગે પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ જોગી સ્વામી સાથેના પ્રસંગોની વાતો કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પૂજ્ય જોગી સ્વામીની જન્મજયંતી પ્રસંગે માધવપ્રિયદાસજી સ્વામીએ જાહેરાત કરી કે પૂજ્ય સ્વામીજીની પુ્ણ્ય સ્મૃતિમાં છારોડી ગુરુકુલમાં દરરોજ ઋષિકુમારો દ્વારા યજ્ઞ કરવામાં આવશે.

 જે કોઇ હરિભકતોને યજ્ઞનો લાભ લેવા ઇચ્છા હોચ તેમણે મો.નં. ૯૨૬૫૯૫૬૭૧૩ ઉપર ગુણસાગરદાસજી સ્વામીનો સંપર્ક કરવા વિનંતી.

(12:04 pm IST)