Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

આણંદ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્ર્મણ વચ્ચે લગ્નમાં ગાઇડલાઇનનો ભંગ કરી ડી.જે વગાઢતા 9 શખ્સોની ધરપકડ

આણંદ:જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ લગ્ન સમારંભોમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. પેટલાદ ગ્રામ્ય પોલીસે પંડોળી ગામના આનંદપુરા સીમ વિસ્તાર, સાંસેજ તાબે રાજુપુરા અને પંડોળીના દેવકાપુરા રોડ ઉપર ઓચિંતો છાપો મારી લગ્ન પ્રસંગ દરમ્યાન જાહેરમાં ડી.જે. વગાડતા અને જાહેરનામાનો ભંગ કરતા કુલ ૯ વ્યક્તિઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોરોના મહામારીને લઈ જિલ્લામાં જાહેરનામું અમલમાં હોઈ જાહેરનામાના પાલન સંદર્ભે પેટલાદ ગ્રામ્ય પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન પંડોળી ગામે આનંદપુરા સીમ વિસ્તારમાં પહોંચતા લગ્ન પ્રસંગ યોજાઈ રહેલ હોવાનું પોલીસને માલુમ પડતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા માણસોની ભીડ સાથે ડી.જે. સાઉન્ડ વગાડી ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતુ હોવાનું માલુમ પડયું હતું. સાથે સાથે આ અંગે કોઈ  પરવાનગી પણ લેવામાં ન આવી હોઈ મફતભાઈ બબુભાઈ સોલંકી (રહે.પંડોળ), પંકજ ઉર્ફે કપુર લક્ષ્મણભાઈ પરમાર, સંજયભાઈ મહેન્દ્રભાઈ પઢિયાર (બંને રહે.પાળજ) વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત સાંસેજ તાબે રાજુપુરા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન લગ્ન પ્રસંગનો માંડવો બાંધેલ હોવાનું અને માણસો ટોળા વળી પરવાનગી વિના ડી.જે.ના તાલે નાચગાન કરી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું માલુમ પડતા પોલીસે ડી.જે. તથા ટ્રેક્ટર જપ્ત કરી પ્રવિણભાઈ જ્યંતિભાઈ સોલંકી (રહે.સાંસેજ, તાબે રાજુપુરા), વિજયભાઈ મનુભાઈ સોલંકી (રહે.દેવાતજ), જયમીન જ્યંતિભાઈ પરમાર (રહે.ખણસોલ) વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:45 pm IST)