Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ગાંધીનગરના રખિયાલમાં યુવાનને કાર આપવાના બહાને પાંચ શખ્સોએ 7.93 લાખની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર : રખિયાલમાં રહેતા યુવાનને કાર અપાવવાના બહાને પાંચ જેટલા શખ્સો દ્વારા ૭.૩૯ લાખ રૃપિયાની છેતરપીંડી કરવામાં આવી હોવા અંગે રખિયાલ પોલીસમાં ગુનો નોંધાવા પામ્યો છે. યુવાનની જગ્યાએ અન્ય વ્યક્તિના નામે ગાડી કરી લેવામાં આવી હતી અને તેની પાસેથી રૃપિયા લઈ આ ગુનાહિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું. હાલ તો પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.    

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રખિયાલમાં રહેતા અને અનાજ દળવાની ઘંટી ચલાવતાં મીતેશ શામળભાઈ પટેલને સેકન્ડમાં કાર ખરીદવાની હોવાથી દહેગામ ખાનપુરમાં રહેતા ભાવેશ રાવલનો સંપર્ક કર્યો હતો અને તેણે અમદાવાદમાં રહેતાં હર્ષિત વ્યોમેશભાઈ જોષી સાથે સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ આ બન્ને શખ્સો કાર લઈને મીતેશ પાસે આવ્યા હતા અને પ.પ૦ લાખ રૃપિયા કારની કિંમત નક્કી કરવામાં આવી હતી. જે પૈકી ૪.પ૦ લાખ રોકડા અને એક લાખ રૃપિયા પાર્સીંગ થઈ ગયા બાદ આપવાનું નક્કી કર્યું હતું. આ કારના બીલમાં ખરીદનાર તરીકે દિગ્વિજય કીર્તીકુમાર ઠાકર રહે.પાટણભૈરવનગર સોસાયટી હોવાનું બતાવવામાં આવ્યું હતું. મીતેશભાઈએ  હર્ષિતને ત્યારબાદ ૩.પ૦ લાખ અને એક લાખ રોકડા અલગથી આપી દીધા હતા. જો કે ગાડીનું પાર્સીંગ એકબે દીવસમાં થઈ જશે તેવી વાત હર્ષિત દ્વારા કરવામાં આવી હતી અને ફોન બંધ કરી દેવાયો હતો. ત્યારબાદ તપાસ કરતાં આ કાર રમેશકુમાર કાંતિલાલ પટેલ રહે.માતાનો વાડોપાટણના નામે રજીસ્ટ્રેશન થઈ ગઈ હતી. ત્યારબાદ ઉંઝાના કનુ મોટર્સના સચિન પ્રજાપતિને પુછતાં તેમના નામે લોન નહીં થઈ શકતી હોવાથી રમેશભાઈના નામે લોન લઈ ગાડી પાર્સીંગ કરી હોવાનું કહયું હતું. ત્યારપછી કાર પરત ખેંચી લેવાની પણ અવારનવાર ધમકીઓ આપવામાં આવતી હતી. જેથી આ મામલે મીતેશભાઈની ફરીયાદના આધારે પોલીસે આ પાંચેય શખ્સો સામે ૭.૩૯ લાખની છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે. 

(5:44 pm IST)