Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

વાવાઝોડાની દિશા બદલાઇઃ સૌરાષ્ટ્ર-કચ્છના બદલે દક્ષિણ ગુજરાતથી ખંભાતના અખાતમાં પ્રવેશે તેવી શક્યતા

અમદાવાદ: ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં વાવાઝોડુ તૌકતે સક્રિય થયું છે. આગામી 24 કલાકમાં વાવાઝોડુ વધુ મજબૂત બની ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. ત્યારે આ વચ્ચે એક મોટા ખબર સામે આવ્યા છે. ગુજરાતમાં વાવાઝોડાની દિશા

બદલાઈ છે. સૌરાષ્ટ્ર કચ્છ નહિ પણ, દક્ષિણ ગુજરાત થઈને મધ્ય ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાશે તેવુ એક ખાનગી વેબસાઈટનું કહેવું છે.

દક્ષિણ ગુજરાતમાંથી પ્રવેશીને વાવાઝોડું મધ્ય ગુજરાતમાં જશે

હાલ વવાઝોડું દક્ષિણ-દક્ષિણ પૂર્વ વેરાવળથી દરિયામાં 990 કિલોમીટર દૂર છે, જે 18 મેના ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચી જશે. પરંતુ હવામાનની માહિતી આપતી એક ખાનગી વેબસાઈટ અનુસાર, હાલ વવાઝોડું સૌરાષ્ટ્ર કિનારેથી દિશા બદલીને મધ્ય ગુજરાત તરફ આવી રહ્યું છે. તૌકતે વાવાઝોડાની દિશા બદલાઈ છે. જે વાવાઝોડું કચ્છમા ટકરાઈને પાકિસ્તાન-કરાંચી તરફ આગળ વધવાનુ હતું અને 18 મેના સૌરાષ્ટ્ર-કચ્છમાં રોજ ટકરાવાનું હતું. તેને બદલે દક્ષણ ગુજરાતથી ખંભાતના અખાતમા પ્રેવશ કરશે તેવુ વેબસાઈટના આધારે જણાવાયું છે. વાવાઝોડું મહારાષ્ટ્ર, દાહોદ, અમદાવાદ, વડોદરાથી આગળ વધીને મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ આગળ વધી રહ્યુ છે.

18 મેએ વાવાઝોડું ગંભીર રૂપ ધારણ કરશે

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાત માટે 18 ની તારીખ બહુ જ મહત્વની છે. આ દિવસે વાવાઝોડું અતિતીવ્ર બનશે. તેથી ગુજરાત માટે 16, 17 અને 18 મેના ત્રણ દિવસો બહુ જ મહત્વના છે. 17 તારીખે ગુજરાતમાં 70 થી 75 પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે, જે 18 મેના રોજ તેની ગતિ વધીને 100 કિમી થઈ જશે. આથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.

કેન્દ્રએ સહાયની તમામ તૈયારીઓ દર્શાવી

સૌરાષ્ટ્ર ઝોનના 14 જેટલા જિલ્લાઓને આ વાવાઝોડાની અસર થાય તેવી શક્યતાને ધ્યાને રાખીને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોઇ પ્રકારની જાન કે માલહાનિ ન થાય કે કોઇ નુકશાન ન થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના વહીવટીતંત્રને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર પણ આ સંકટ સામે સંપૂર્ણ મદદ કરશે તેવુ જણાવ્યું છે. હાલ સ્થળાંતર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, 14 જિલ્લાઓને અસર થવાની શક્યતા છે.

(5:22 pm IST)