Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

તારક મહેતા કા ,,ની બબીતાને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી સ્ટેચ્યુટરી નોટીસ ફટકારાઇ

બાવળા પોલીસ મથકમાં અરજી બાદ નોટીસ :જાહેરમાં માફી માંગો નહીં તો એટ્રોસીટી અંગે ફરિયાદની કાર્યવાહી કરાશે

અમદાવાદ : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાનું પાત્ર ભજવતી મુનમુન દત્તાને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી સ્ટેચ્યુટરી નોટીસ ફટકારાય છે અનુસૂચિત જાતિ માટે અપશબ્દો બોલવા બદલ અગાઉ બાવળા પોલીસ મથકમાં અરજી થઇ હતી. ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ વતી એડવોકેટ મિનેષ વાઘેલાએ મુનમુન દત્તાને નોટીસ મોકલી છે. જેમાં સાત દિવસમાં જાહેરમાં લેખિતમાં માફી માંગવામાં આવે નહીં તો ફોજદારી કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદના રીજયોનલ સેક્રેટરી અશોક રાવલ વતી એડવોકેટ મિનેષ વાઘેલાએ બબીતા ઉર્ફે મુનમુન દત્તાને પાઠવેલી નોટીસમાં જણાવ્યું છે કે, વિશ્વ હિન્દુ પરિષદની સંસ્થા ભારત દેશ તેમજ સમગ્ર વિશ્વમાં હિન્દુઓ માટે વર્ષોથી કાર્યરત છે. તેમજ સમુત્કર્ષ અને સમસ્ત સમાજ અને રાષ્ટ્રની ભાવના અને લાગણીઓનું સન્માન, જતન અને રક્ષણ માટે સમગ્ર ભારતભરમાં અમારી શાખાઓ કાર્યરત છે.

તમે જાણો છો કે વાલ્મિકી સમાજ અનુસૂચિત જાતિમાંથી આવે છે. તમે અનુસૂચિત જાતિમાંથી આવતાં વર્ગો તેમજ વર્ગોના સમૂહ તેમજ વ્યકિત માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. તે પણ સોશિયલ મીડિયા દ્વારા શોર્ટ વીડીયોમાં ઉચ્ચાર્યા છે. તેનાથી વાલ્મિકી સમાજનું જાહેરમાં અપમાન કર્યુ છે અને સમગ્ર વાલ્મિકી સમાજને તુચ્છમાની ઉચ્ચારેલા શબ્દોથી તેઓને શરમજનક, ક્ષોભજનક અને અપમાનજનક સ્થિતિમાં મૂકયા છે. જેના કારણે સમગ્ર વાલ્મિકી સમાજ પોતાને અસહાય અને પોતાને પ્રાણી જેવું જીવન જીવતા હોય અને તેઓનું ઘોર અપમાન થયું હોય તેવું આ સમાજના લોકોને લાગ્યું છે.

વધુમાં નોટીસમાં એમ પણ જણાવ્યું છે કે, મનુષ્ય ગૈરવ અને ગરિમાને આપના આ ગુનાહીત શબ્દના ઉચ્ચારણથી ખૂબ મોટી ઠેંસ પહોંચાડેલ છે. અને સમગ્ર હિન્દુ વાલ્મિકી સમાજનું ઘોર અપમાન કર્યું છે અને હિન્દુ સમાજમાં વર્ગ વિભાજન થાય તેવા બદઇરાદાથી સભાનતાપૂર્વક ઉચ્ચારેલ છે. તમારા વાણી અને વર્તનથી હિન્દુ ધર્મ અને હિન્દુ સમાજના તાણાંવાણાને છિન્ન ભિન્ન કરી નાંખી ઇરાદાપૂર્વક સમાજદ્રોહ, હિન્દુદ્રોહનો ગુનો આચરવામાં આવે છે. તમે ઉચ્ચારેલા શબ્દો અપમાનજનક હોવાથી જ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર અમલમાં મૂકવામાં આવેલ છે. અને આ પરિપત્ર મુજબ વાલ્મિકી શબ્દ વાપરવામાં આવે તેવો ઉલ્લેખ કરવામાં આવે છે. તે પરિપત્રનો પણ ભંગ કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે, તમોએ જે શબ્દપ્રયોગ કરીને વાલ્મિકી સમાજનું અપમાન કર્યું છે તે અંગે ભારતભરમાં ફેલાયેલા અમારા શુભેચ્છકો, કાર્યકર્તાઓ દ્વારા અમને ફરિયાદો મળી છે. અમે તમારો વીડિયો જોતાં એટ્રોસીટી એક્ટ મુજબનો ગુનો તમોએ આચર્યો છે.

એટલું જ નહીં પરંતુ તમે સમાજના છેવાડાના માનવીનું અપમાન કરી લાગણી દુભાવી સામાજિક દ્રોહ પણ કર્યો છે. જેથી તમારી સામે ફોજદારી તેમ જ દિવાની કાર્યવાહી કેમ ન કરવી તે જણાવશો અને આ નોટીસ મળ્યે સાત દિવસમાં તમો જાહેરમાં લેખિતમાં અને મીડિયા મારફતે માફી માંગો નહીં તો અમારા દ્વારા તમારી સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

(11:56 pm IST)
  • બાંદ્રા-વર્લી સી લિંક હાઇવે ટ્રાફિક માટે બંધ કરાયો: તૌકતે વાવાઝોડાને લીધે મુંબઈનો બાંદ્રા-વર્લી સી લિંક ટ્રાફિક માટે શનિ-રવિ બંધ કરી દેવામાં આવ્યાનું મુંબઈના મેયરે જાહેર કર્યું છે. access_time 12:41 am IST

  • પશ્ચિમ બંગાળમાં આવતીકાલ રવિવારથી ૧૫ દિવસનું આકરૂ અને સંપૂર્ણ લોકડાઉન : પશ્ચિમ બંગાળમાં આવતીકાલ રવિવારથી ૧૫ દિવસનું આકરૂ અને સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય જાહેર કર્યો છે. પશ્ચિમ બંગાળમાં કોરોના બેફામ ફેલાયો છે, હજારો લોકો ભોગ બની રહ્યા છે, ત્યારે આજે મમતા બેનરજીએ ૧૫ દિવસનો સંપૂર્ણ અને આકરા નિઉયમનો સાથેનું લોકડાઉન જાહેર કરી દીધું છે, જેનો અમલ આવતીકાલથી થશે..ન્યૂઝફર્સ્ટ access_time 1:01 pm IST

  • વાવાઝોડું તૌકેત સૌરાષ્ટ્ર-કચ્છ મહારાષ્ટ્ર ગોવા સહિતના દક્ષિણના કાંઠે છવાઈ ગયેલું નજરે પડે છે.. સાંજે ૪.૧૦ કલાકે લેવાયેલી ઇનસેટ તસવીર… access_time 4:48 pm IST