Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ કે પોલીસના નામે તોડ કરાતી ગેંગ ઝડપાઇ : પ શખ્‍સો પોલીસના સકંજામાં

ક્રાઈમ બ્રાન્ચના નામે ભાજીપાંઉની લારી ચલાવતા વેપારીનું અપહરણ કરી 3 લાખની માંગ કરી 20 હજાર રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ : શહેરમા ક્રાઈમ બ્રાન્ચ કે પોલીસના નામે તોડ કરાતો હોવાની ઘટના અવાર નવાર સામે આવે છે. ત્યારે ફરી એક વખત ક્રાઈમ બ્રાન્ચના નામે ભાજીપાંઉની લારી ચલાવતા વેપારીનું અપહરણ કરી 3 લાખની માંગ કરી 20 હજાર રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે નરોડા પોલીસે ગુનો નોંધીને 5 આરોપીની ધરપકડ કરી છે.

ઘટનાની વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના અને હાલ નરોડામાં રહેતા ઈન્દ્રલાલ જાટ નામના વેપારી 7 તારીખે તેમની લારી પર વેપાર ધંધો કરતા હતા. ત્યારે રાત્રે બારેક વાગ્યે એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડીમાં પાંચ માણસો લારી ઉપર આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, આ લારીનો માલિક કોણ છે. તમે કેમ નાના છોકરાને કામ માટે રાખો છો? તેમ કહી પોતાની ઓળખ ક્રાઇમ બ્રાંચના નામે આપી કેસ કરવાની ધમકી આપી હતી. પાંચેયે વેપારીને નરોડા પોલીસ મથકે લઈ જવાના બહાને અપહરણ કર્યું અને પોલીસ કેસ ન કરવા માટે ત્રણ લાખની માંગ કરી.

તોડ કરવા પહોંચેલી નકલી પોલીસની તસવીર

તોડ કરવા પહોંચેલી નકલી પોલીસ

જોકે વેપારી પાસે એટલા બધા રૂપિયા ન હોવાથી એટીએમ મારફતે 20,000 પડાવી લીધા હતા. જેની તપાસ કરતા આ કેસમાં મુખ્ય આરોપી રાજન પટેલ સાયબર ક્રાઇમમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હોવાની હકીકત સામે આવી, જેની પણ પોલીસે ધરપકડ કરી છે. આ સાથે પ્રદિપ પાટીલ, નરેન્દ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ જોધા અને અમિત પટેલની પણ ધરપકડ કરી છે. નરોડા પોલીસે હાલમાં ગુનો નોંધીને તમામ આરોપીની ધરપકડ કરી. આરોપી ટોળકીએ આ અગાઉ અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ, અને અન્ય કોઈ વેપારી પાસેથી પોલીસના નામે રૂપિયા પડ્યા છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.

(1:15 pm IST)