Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

પાટીદાર અગ્રણીઓને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયેલું

રાજકોટના કાગવડ ખાતે નરેશ પટેલ, હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા વચ્ચે બેઠક યોજાશે: આ બેઠકમાં રાજકીય અને સામાજિક ચર્ચાને લઈને વાતચીત કરાશે

અમદાવાદ  :  છેલ્લાં કેટલાંય સમયથી પાટીદાર અગ્રણીઓને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે આજ રોજ રાજકોટના કાગવડ ખાતે પાટીદાર નેતાઓની મહત્વની બેઠક મળશે. કાગવડ ખાતે નરેશ પટેલ, હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા વચ્ચે બેઠક યોજાશે. આ બેઠકમાં રાજકીય અને સામાજિક ચર્ચાને લઈને વાતચીત કરાશે. તદુપરાંત નરેશ પટેલના રાજકારણમાં આવવા અંગેની પણ આ બેઠકમાં ચર્ચા થશે. નરેશ પટેલ સાથે આજ સાંજના 4થી 6 વાગ્યા સુધી આ બેઠક યોજાશે. આ બેઠક બાદ નરેશ પટેલ અને હાર્દિક પટેલ આગામી દિવસોમાં મોટો રાજકીય નિર્ણય લઇ શકે તેવી શક્યતા. હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે તો નરેશ પટેલનો કોંગ્રેસ તરફ ઝુકાવ છે. આ બેઠકમાં આંદોલનના જૂનના સાથીઓ પણ ઉપસ્થિત રહેશે. હાર્દિક પટેલ આગામી દિવસોમાં ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. હાર્દિકનો મત કંઇક એવો છે કે, કોંગ્રેસમાં OBC અને દલિત સમાજનું પ્રભુત્વ રહેલું છે.

દાહોદના કાર્યક્રમ બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને તેમની વચ્ચે મંગળવારે વ્યક્તિગત મુલાકાત નહોતી થઈ. થોડીવાર માટે મળ્યા અને તેમણે જાહેર રેલીને સંબોધવાની હતી અને તે પછી રાહુલ ગાંધી આદિવાસીઓ ધારાસભ્યો અને નેતાઓ સાથે બેઠક કરવાના હતા. મારી તેમની સાથે હળવી મુલાકાત થઈ હતી અને મેં ત્યાંથી પરત ફરવા માટે મંજૂરી લીધી હતી. મારે એક અઠવાડિયામાં તેમને દિલ્હીમાં મળવા જવાનું છે. હાર્દિક પટેલ આગામી અઠવાડિયે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત બાદ તેઓ કોઈ મોટો નિર્ણય લઇ શકે છે. જણાવાઈ રહ્યું છે કે તેઓ હજુ પણ કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે. તેમની આ નારાજગી રાજકારણમાં અનેક ચર્ચાઓને જોર આપી રહી છે. હજુ સુધી હાર્દિકે પોતાના આગામી નિર્ણય તરફ કોઈ ઇશારો નથી કર્યો, પહેલા એ પણ કહી ચૂક્યા છે કે કોંગ્રેસમાં રહેવાના છે. પરંતુ હજુ સુધી તેમની માંગો પર યોગ્ય વિચાર નથી થયો, તેવામાં તેઓ જલ્દી કોઈ મોટો નિર્ણય લેતા નજરે પડી શકે છે.

હાર્દિકે કહ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજ છું, આગામી અઠવાડિયે રાહુલ ગાંધીને મળ્યા બાદ અંતિમ નિર્ણય લઇશ. હાર્દિક પટેલને પોતાની જવાબદારીઓને લઇને કઇ પણ સ્પષ્ટ નથી થયું. તેમને માત્ર કહેવાના કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાયા છે, પરંતુ તેમને કરવાનું શું છે, તે પાર્ટી હાઈકમાન્ડે સ્પષ્ટ નથી કર્યું. હાર્દિક પટેલનો આક્ષેપ છે કે, ગુજરાતમાં કેટલાંક કોંગ્રેસના જ નેતા તેમના કામ નથી કરવા દઇ રહ્યાં. વર્ષ 2019માં રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને હોંશેહોંશે પાર્ટીમાં આવકાર્યા હતા. પરંતુ ગત દિવસોમાં દાહોદમાં આયોજિત આદિવાસી રેલીમાં રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ એક જ સ્ટેજ પર હતા, બન્ને એકલામાં મળ્યા નહોતા. હાર્દિક જેલમાં ગયા હોવા છતાં દાહોદમાં રાહુલ ગાંધીએ નામ ન લેતા હાર્દિક પટેલ નારાજ થયા છે. માનવામાં આવે છે કે પાછલા કેટલાક દિવસથી હાર્દિક દ્વારા જે રીતે જાહેરમાં કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે તેનાથી રાહુલ ગાંધી ખુશ નથી.

(1:17 pm IST)