Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીની 182 બેઠકો પર પરિવર્તન યાત્રાનો આરંભ

ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ : વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી તૈયારીઓમાં લાગી ગઈ છે. સમગ્ર ગુજરાતમાં લોકો સુધી પહોંચવા માટે આજથી આમ આદમી પાર્ટીની 182 બેઠકો પર પરિવર્તન યાત્રા શરૂ થઈ છે. રાજ્યના 6 અલગ અલગ સ્થળોથી આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

સોમનાથથી ‘આપ’ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખુંટ તથા ગુજરાત યુથ વિંગ પ્રમુખ પ્રવીણ રામે ભગવાન મહાદેવના આશીર્વાદ લઇ સવારે 8 વાગ્યે યાત્રાની શરૂઆત કરાવી છે. દ્વારકાથી ‘આપ’ નેતા ઇસુદાન ગઢવી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા સંગઠન મંત્રી અજિત લોખીલ કૃષ્ણ ભગવાનના દર્શન કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. સિદ્ધપુરથી ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી અને મહામંત્રી સાગરભાઈએ અને ઉમરગામ થી ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા અને BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશભાઇ વસાવા તેમજ અબડાસાથી ‘આપ’ કિસાન સંગઠન અધ્યક્ષ રાજુ કરપડા અને ‘આપ’ નેતા કૈલાશદાન ગઢવીએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

દ્વારકાથી 'આપ' નેતા ઇસુદાન ગઢવીએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે

દ્વારકાથી ‘આપ’ નેતા ઇસુદાન ગઢવીએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે

દાંડીથી ‘આપ’ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી રામ ધડૂક અને આપ નેતા રાકેશ હિરપરા સાંજે 4 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે. ગુજરાતમાં ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવા,ખરા અર્થમાં સુશાસનની સ્થાપના કરવા અને ગુજરાતના યુવાનો માટે રોજગારની ઉત્તમ સગવડ વ્યવસ્થા પુરી કરવા માટે આપ આદમી પાર્ટીની આ ‘પરિવર્તન યાત્રા’ ગુજરાતની રાજનીતિને એક સકારાત્મક દિશામાં લઈ જશે તેમ આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું.

(1:19 pm IST)