Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

આકાશમાંથી ગોળા પડવાનો સિલસિલો: આણંદ અને અને ખેડા બાદ સાયલામાં પડ્યો અવકાશી પદાર્થ

સાયલા તાલુકાના દેવગઢ ગામે ખેતરમાં આકાશમાંથી રહસ્યમય ગોળો પડતા ખેડૂતો ડરના માર્યા નાસી છુટયા

અમદાવાદ :છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં આકાશમાંથી ગોળા જેવો ભેદી પદાર્થ પડી રહ્યા છે. ચરોતર વિસ્તારમાં આણંદ અને ખેડા જિલ્લામાં અવકાશી પદાર્થ પડ્યા બાદ આજે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં પણ એક ગોળો પડ્યો હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી આકાશમાંથી ગોળા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

ત્યારે સ્થાનિક લોકોમાં પણ કુતુહલ સર્જાયુ છે. તંત્ર દ્વારા ગોળાની તપાસ માટે ઈસરોની મદદ લેવાનો પણ નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

સાયલા તાલુકાના દેવગઢ ગામે ખેતરમાં આકાશમાંથી રહસ્યમય ગોળો પડવાની ઘટના સામે આવી છે. ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે આકાશમાંથી ગોળો પડતા ખેડૂતો ડરના માર્યા નાસી છુટયા હતા. ઘટના બાદ ગામ લોકોએ ઘટના સ્થળે પહોંચીને જોતા ગોળા ઉપર વાયર વીંટળાયેલ હતા. લોકોએ વાયરો હટાવતા અંદરથી ધાતુનો બનેલો એક ગોળો મળી આવેલ છે. સમગ્ર મામલે ગામલોકોએ પોલીસને જાણ કરી છે. પરંતુ આકાશમાંથી પડેલો આ ગોળો શેનો છે તેના વિશેનું રહસ્ય હાલ જાણી શકાયું નથી.

 

ઉલ્લેખનીય છે કે ગઈકાલે આણંદ જિલ્લાના ઉમરેઠ, દાગજીપુરા બાદ ચકલાસી નજીક ભુમેલ ગામમાં અવકાશમાંથી 'ગોળો' પડ્યો હતો. ભુમેલ ગામના પૉલ્ટ્રી ફાર્મમાં અવકાશમાંથી ગોળો પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈને પૉલ્ટ્રી ફાર્મના માલિકે સરપંચને જાણ કરી હતી. બાદમાં સરપંચે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર મામલે FSLની ટીમને પણ જાણ કરવામાં આવી હતી.

આ પહેલા પણ આણંદમાં ગુરુવારે સાંજે આકાશમાંથી 'ગોળા' જેવી કોઈ અજાણી વસ્તુ પડવાની ઘટના બની હતી. જેને લઈને લોકોમાં કુતુહલ જાગ્યુ હતુ. આણંદ જિલ્લાના જીતપુરા, દાગજીપૂરા અને ખાનકુવા ગામે આ ઘટના બની હતી. ત્યારે સતત છેલ્લા ચાર દિવસથી આકાશમાંથી ગોળ આકારનો પદાર્થ પડવાથી લોકોમાં તે શું હોઈ શકે છે તેના અંગે ચર્ચા જોવા મળી રહી છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર આણંદના ગામોમાં સેટેલાઇટના કોઇ ભાગમાંથી આ ગોળ આકારની ધાતુની વસ્તુ પડી હોવાનું મનાઈ રહ્યુ છે. જો કે આ અંગે હાલ તપાસ ચાલી રહી છે. આ તમામ ગામ એકબીજાથી 10થી 15 કિમી દુર આવેલા હોવાની માહિતી છે. આકાશમાંથી આ વસ્તુ પડવાને કારણે આખા પંથકમાં ભયનો માહોલ છવાયો છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે આકાશમાંથી પડેલી આ વસ્તુના કારણે કોઈ નુકસાન થયુ નથી. મીડિયા રિપોર્ટસ અનુસાર આ ગોળા જેવા પદાર્થનું વજન 5 કિલોની આસપાસનું હોવાનું મનાઈ રહ્યુ છે.

(11:34 pm IST)