Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

હીરા ઉદ્યોગ ફરી ઝળહળ્‍યોઃ રત્‍નકલાકારો ખુશખુશાલ

ગત એપ્રિલમાં ૨.૩ અબજ ડોલરના હિરાની નિકાસઃ અમેરિકામાં પણ ડિમાન્‍ડ વધી, કારીગરોને આકર્ષવા મજૂરીના ભાવ પણ વધારી દેવાયા

સુરતઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગ લોકો લોકોને રોજગારી આપે છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી હીરા ઉદ્યોગમાં મંદીનું મોજુ ચાલી રહ્યું હતું. એમાં કોરોના કાળમાં તો હીરા ઉદ્યોગ ઠપ થઈ ગયો હતો. પણ થોડા સમયથી હીરા ઉદ્યોગમાં તેજી આવતા રત્‍નકલાકારો ખૂશખૂશાલ બની ગયા છે. એપ્રિલ મહિનામાં તૈયાર હીરાની નિકાસ વધીને કોરોના પહેલાના સ્‍તરે પહોંચી જતાં હીરાઉદ્યોગમાં હાલ ‘અચ્‍છે દિન' ચાલી રહ્યા છે. માત્ર કુદરતી જ નહીં, પરંતુ સિન્‍થેટિક ડાયમંડની માગમાં આંતરરાષ્‍ટ્રીય માર્કેટમાં જોરદાર ઉછાળો આવ્‍યો છે. હીરાની માસિક નિકાસનો આંકડો અપેક્ષા કરતા ખૂબ જ સારો રહ્યો છે. એક અંદાજ અનુસાર, એપ્રિલમાં ૨.૩ અબજ ડોલરના હીરાની નિકાસ થઈ હતી.

જેમ એન્‍ડ જ્‍વેલરી એક્‍સ્‍પોર્ટ પ્રમોશન કાઉન્‍સિલના જણાવ્‍યા અનુસાર, એપ્રિલ ૨૦૧૯માં અમેરિકામાં ૧.૬ અબજ ડોલરના ડાયમંડની નિકાસ થઈ હતી. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના જણાવ્‍યા અનુસાર, મોટાભાગની ડિમાન્‍ડ અમેરિકન માર્કેટમાં જોવાઈ રહી છે, અને કેટલોક તૈયાર માલ યુરોપ પણ જઈ રહ્યો છે. તૈયાર હીરાની નિકાસ વધતા રફ હીરાની આયાત પણ વધીને કોરોના પહેલાના સ્‍તરે પહોંચી ગઈ છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં સિન્‍થેટિક અને કલર જેમસ્‍ટોનની આયાત ૩૧૫ મિલિયન ડોલરની આસપાસ રહી હતી, જે એપ્રિલ ૨૦૧૯ કરતા વધારે છે.

GJEPCના ચેરમેન દિનેશ નવાડિયાના જણાવ્‍યા અનુસાર, અમેરિકામાં કોરોનાના કેસ ઘટયા છે અને વેકિસનેશન વધ્‍યું છે જેથી ત્‍યાં હીરાની ડિમાન્‍ડમાં વધારો થયો છે. એક તરફ તૈયાર હીરાની માગ વધી છે, તો બીજી તરફ કોરોનાની બીજી વેવ ખતરનાક સાબિત થતાં પ્રોડકશન પર તેની ગંભીર અસર પડી છે. અનેક કારીગરો વતનમાં જતા રહ્યા હોવાથી પણ પ્રોડકશન હજુય પાટે નથી ચઢી શકયું. બહારના રાજ્‍યના કારીગરો તો કેસ વધવાનું શરુ થયું ત્‍યારે જ ચાલી ગયા હતા. હાલ કારખાનામાં કારીગરોની ૩૦ ટકા જેટલી અછત છે. એટલું જ નહીં, તૌકતે વાવાઝોડાંને કારણે પણ સૌરાષ્‍ટ્રમાં હીરાના પ્રોડકશન પર અસર પડી છે.

સુરત ડાયમંડ એસોસિએશનના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, કારીગરો હવે ધીરે-ધીરે પરત ફરી રહ્યા છે ત્‍યારે આગામી સમયમાં પ્રોડકશનમાં વધારો થશે. બીજા ક્ષેત્રોથી વિપરિત ડાયમંડ ઈન્‍ડસ્‍ટ્રીમાં હાલ કામકાજ વધારે હોવાના કારણે કારીગરોને રોજગાર શોધવામાં પણ વાર નહીં લાગે. ઘણા કારખાનેદારોએ કારીગરોને આકર્ષવા માટે મજૂરીના દર વધાર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

(11:39 am IST)