Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

''આપ'' ભાજપનો નહિ તો કોંગ્રેસનો વિકલ્પ બની શકે

ગુજરાતમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી વખતે-ઉગાડેલા બીજને વટવૃક્ષ બનાવવા ઝાડુવાળાની જહેમત : આમ આદમી પાર્ટી માટે અનેક પડકારો છતા આવતીકાલ આશાભરીઃ નવા રાજકીય અધ્યાયનો આરંભ

રાજકોટ તા. ૧૪ :.. ગુજરાતમાં તાલુકા - જિલ્લા પંચાયતો અને કોર્પોરેશનોની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીએ સુરત કોર્પોરેશનમાં ર૭ સહિત કુલ ૬૯ બેઠકો જીતીને રાજયમાં ઉગાડેલા બીજને વટવૃક્ષ બનાવવા કમર કસી છે. જેના ભાગરૂપે પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. આવતા દોઢ વર્ષમાં આવી રહેલ ધારાસભાની ચૂંટણીમાં તમામ ૧૮ર બેઠકો લડવાની જાહેરાત અને 'હવે બદલાશે ગુજરાત' નારો ઘણુ કહી જાય છે. રાજયની રાજનીતિમાં નવા અધ્યાયનો આરંભ થયો છે.

ગુજરાતમાં દાયકાઓથી ભાજપ અને કોંગ્રેસ તે બે પક્ષ જ  ચાલ્યા છે. ત્રીજા બળને કદી ધારી સફળતા મળી નથી. ભૂતકાળમાં  ત્રીજુ બળ ન ફાવ્યુ એટલે ભવિષ્યમાં પણ ફાવશે નહિ તેવુ માનવાનું કોઇ કારણ નથી. ગુજરાતમાં સર્વસ્વીકૃત ચહેરાના અભાવ સહિત અનેક પડકારો છતાં આપ માટે આવતીકાલ આશાભરી છે. ભાજપને મોદીના નામે મત મળી શકે તો 'આપ' ને કેજરીવાલના નામે શા માટે મત ન મળે ? તેવી દલીલ ત્રીજા બળના પુરર્સ્તાઓ કરી રહ્યા છે. કોંગ્રેસની દશા વર્ષેથી ખરાબ છે. રાજયમાં 'આપ' કદાચ ભાજપનો વિકલ્પ ન બની શકે તો કોંગીનો વિકલ્પ બનવાની શકયતા નકારાતી નથી 'આપ' બન્ને પક્ષના મતમાં ભાગ પડાવી શકે છે.

આમ આદમી પાર્ટીનું દિલ્હી મોડેલ લોકપ્રિય છે. આવતા દિવસોમાં સંગઠનનો વ્યાપ કેવી રીતે વધારે છે ? તેના પર સફળતાનો આધાર છે. ત્રીજા બળના આગમનને અવગણી શકાય તેમ નથી. ભાજપ-કોંગ્રેસ બેયને સ્પર્શતા નવા રાજકીય સમીકરણોના ડોકિયા થવા લાગ્યા છે. હવે પછી 'આપ' ની સૌથી પહેલી કસોટી ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં થશે. (પ-૪૦)

'આપ'ના સુપ્રિમો ગુજરાતમાં

દિલ્હીમાં મુખ્યમંત્રી અને 'આપ'ના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ આજે સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ- કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.(તસ્વીરઃ ગૌરવ ખત્રી, અમદાવાદ)

(5:14 pm IST)