Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

વાર્ષિક ઔદ્યોગિક સર્વેક્ષણનો રિપોર્ટ

ઔદ્યોગિક ઉત્પાદન મામલે દેશભરમાં ગુજરાત અવ્વલ : ૧૬.૧૯ લાખ કરોડનું ઉત્પાદન

ગાંધીનગર તા. ૧૪ : ભારત સરકારના સાંખ્યીકી અને કાર્યકાળ કાર્યાન્વયત મંત્રાલયે વર્ષ ૨૦૧૮-૧૯ના વાર્ષિક ઔદ્યોગિક સર્વેક્ષણ રીપોર્ટ જાહેર કર્યો છે. જેમાં દેશભરના ઔદ્યોગીક ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું છે. જ્યાં વર્ષ ૨૦૧૭-૧૮માં ગુજરાતનું ઔદ્યોગીક ઉત્પાદન ૧૬.૮૫ હતું, તે ૨૦૧૮-૧૯માં ૧૭.૪૪ ટકા સુધી પહોંચી ગયેલ.

દેશભરના ૧૦ રાજ્યોના ઔદ્યોગીક ઉત્પાદનના આંકડાઓ ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ૧૬.૧૯ લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન થયેલ, જે દેશના કુલ ઉત્પાદનના ૧૭.૪૪ ટકા છે. જ્યારે બીજા નંબરે મહારાષ્ટ્ર ૧૪.૩૩ ટકા સાથે રહેલ. તામીલનાડુએ ૧૦.૧૨ ટકા ઉત્પાદન કરેલ.

હરિયાણામાં ૬.૨૩ લાખ કરોડ ઔદ્યોગીક ઉત્પાદન સાથે દેશભરમાં ૬.૭૨ ટકા ભાગીદારી કરેલ. કર્ણાટકે ૫.૭૯ લાખ કરોડ અને યુપીએ પણ ૫.૭૯ લાખ કરોડનું ઔદ્યોગીક ઉત્પાદન કરી ૬.૨૪ ટકા ભાગીદારી નોંધાવેલ.

આંધ્રમાં ૩.૭૬ લાખ કરોડ, બંગાળમાં ૨.૬૫ લાખ કરોડ, રાજસ્થાનમાં ૩.૨૭ લાખ કરોડ અને ઓડીશામાં ૩.૦૨ લાખ કરોડ ઔદ્યોગીક ઉત્પાદન રહેલ.

વર્ષ ૨૦૧૮-૧૯માં કારખાના અને કારીગરોની સંખ્યામાં મહારાષ્ટ્રમાં ૨૫૭૯૨ ફેકટરીઓ અને ૩૧,૬૬,૬૩૭ કારીગરો હતા. જ્યારે ગુજરાતમાં ૨૬,૮૪૨ ફેકટરીઓમાં ૨૫,૬૦,૮૨૪ કારીગરો કાર્યરત હતા. જ્યારે સૌથી વધુ તામિલનાડુમાં ૩૮,૧૩૧ ફેકટરીઓમાં ૩૧,૯૧,૦૫૦ કારીગરો હતા.

જો કે હાલમાં જ એફડીઆઇમાં પણ ગુજરાત પ્રથમ નંબરે રહેલ. ગુજરાતમાં સૌથી વધુ એફડીઆઇ કોમ્પ્યુટર અને હાર્ડવેર ક્ષેત્ર લગભગ ૯૪ ટકા આવેલ. દેશમાં એકલા ગુજરાતે ૭૮ ટકા ભાગ આ ક્ષેત્રમાં ધરાવે છે. ગુજરાત પારદર્શી અને સ્વચ્છ પ્રશાસન સાથે રાજ્યમાં ઉદ્યોગોને મોટા પાયે પ્રેરીત કરવા ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસનો દાયરો વધારે છે અને ઇન્ડસ્ટ્રી પોલીસી ૨.૦માં ઉદ્યોગોને જે વ્યાપક પ્રોત્સાહન આપેલ તેના કારણે કોરોના કાળમાં પણ રાજ્યમાં એફડીઆઇનો પ્રવાહમાં ભારે વધારો નોંધાયેલ.

(3:43 pm IST)