Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

હાર્દિક પટેલ 'આપ 'માં જોડાશે : હાર્દિકે કહ્યું -પોતાની નિષ્ફળતા છુપાવવા ભાજપ મીડિયામાં ખોટા સમાચાર પ્લાન્ટ કરાવી રહ્યુ છે

ભાજપ દ્વારા કોંગ્રેસ સમર્થકો, કાર્યકર્તાઓ અને વિશેષ વિવિધ સમાજમાં ભ્રમ ફેલાવવાના ઉદેશ્યથી પ્લાન્ટ કરાયા

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને આમ આદમી પાર્ટીમાં જોડાવાના સમાચાર કેટલાક મીડિયા હાઉસે ચલાવ્યા હતા. જોકે, આ મામલે હાર્દિક પટેલે કહ્યુ કે, કોરોના કાળમાં પોતાની નિષ્ફળતા છુપાવવા ભાજપ મીડિયામાં ખોટા સમાચાર પ્લાન્ટ કરાવી રહ્યુ છે.

હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લખ્યુ, વિવિધ મીડિયા પ્લેટફોર્મમાં મારા આમ આદમી પાર્ટીમાં સામેલ થવા અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં તેનો ચહેરો બનાવાના સમાચારથી આશ્ચર્યચકિત છું. આ સમાચાર નિરાધાન અને ખોટા છે અને ભાજપ દ્વારા કોંગ્રેસ સમર્થકો, કાર્યકર્તાઓ અને વિશેષ વિવિધ સમાજમાં ભ્રમ ફેલાવવાના ઉદેશ્યથી પ્લાન્ટ કરાવવામાં આવ્યા છે.

કોંગ્રેસ પાર્ટીના 130 વર્ષથી વધુના ઇતિહાસમાં, હું સૌથી નાની ઉંમરનો પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ છું. મારા કોંગ્રેસમાં સામેલ થવાનો એકમાત્ર ઉદ્દેશ્ય ગુજરાતમાં ખેડૂત વિરોધી, ગરીબ વિરોધી અને વિવિધ સમાજ વિરોધી ભાજપને સત્તામાંથી હટાવવાનો હતો. વર્ષ 2014 બાદ દેશ અને ગુજરાતમાં સમાજના તમામ વર્ગોની સ્થિતિ ખરાબ થઇ ચુકી છે. કાર્યકારી અધ્યક્ષના રૂપમાં હું પોતાની તમામ જવાબદારીઓનું પાલન પુરી તત્પરતાથી કરવા હેતુ પ્રતિબદ્ધ છું, જેનાથી વર્ષ 2022માં ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બની શકે. પાર્ટીના નેતા રાહુલ ગાંધી, આદરણીય પ્રિયંકા ગાંધીએ દેશમાં કેટલાક સક્રિય યુવાઓને પાર્ટીનું નેતૃત્વ કરવાની તક આપી છે, જેનો હું જવલંત ઉદાહરણ છું.

ભાજપના કુશાસન વિરૂદ્ધ લડાઇને જે પણ મજબૂત કરવા માંગે છે, તેનું ગુજરાતમાં સ્વાગત છે પરંતુ તે કોંગ્રેસ પાર્ટી જ છે જે ગત વિધાનસભા ચૂંટણીમાં સરકાર બનાવવાની નજીક પહોચી ગઇ હતી. ગુજરાતના લોકોએ પાડોશી રાજ્ય રાજસ્થાન, મહારાષ્ટ્રમાં કોરોનાના ભીષણ સંક્રમણકાળમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન જોયુ છે અને મને વિશ્વાસ છે કે વર્ષ 2022 બાદ રાજ્યમાં અમને પૂર્ણ બહુમતથી તેમની સેવા કરવાની તક આપશે.

(6:15 pm IST)