Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

હારીજમાં યુવકની હત્યા કરનારા ૩ શખ્સ ઝડપાયા

યુવકની છરીના ઘા ઝીંકી ફાયરિંગથી હત્યા કરી હતી : ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા જેમાં બાબુ દેસાઈ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

પાટણ,તા.૧૪ : પાટણ જિલ્લાના હારીજ શહેરમાં બે દિવસ પહેલાં ધોળેદિવસે ખૂની ખેલ ખેલાયો હતો. ગત ૧૨મી તારીખના રોજ હારીજમાં ખાનગી ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો. ઘટનામાં બે રબારી યુવકો પર છરીથી હુમલો કરી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે એકની હાલત ગંભીર હોવાના અહેવાલો સામે આવી રહ્યા હતા.

જોકે, પોલીસે હત્યાકેસમાં ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા છે. શખ્સોએ પોલીસને હત્યાકાંડનું કારણ જણાવ્યું હતું. લાભુ દેસાઈ નામના વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેનાર ૦૭ હત્યારાઓની ગેંગમાંથી ૦૩ હત્યારાઓને પાટણ એસઓજી પોલીસે ઉપલીયાસરાથી ગાજદીનપુરા ગામની વચ્ચે આંતરીને ઝડપી લીધા છે.

પોલીસે હત્યારાઓની ગેંગમાંથી ૦૩ હત્યારાઓને ઝડપી લીધા છે બનાવની પ્રાથમિક વિગતો મુજબ હારીજ એપીએમસી પાસે શનિવારે ફાયરિંગ થયું હતું. અજાણ્યા શખ્સોએ આવી અને બે યુવકો પર ગોળીઓ છોડી હતી. લોકો ફાયરિંગના પગલે નાસભાગ મચાવી હતી. જોતજોતામાં લાભુ દેસાઈ નામના યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે કેસમાં આરોપી સામે આર્મ્સ એક્ટ, હત્યાની કોશિષ, હત્યા, વગેરેની કલમો દાખલ કરાઈ છે જ્યારે અગાઉ પાંચ શખ્સો સામે હત્યાની કોશિષની ફરિયાદો નોંઘાઈ હોવાથી શખ્સો સામે GujCTOCનું હથિયાર ઉગામ્યું છે.

હારીજ માર્કેટિંગ યાર્ડ પાસે શનિવારે રબારી સમાજના બે યુવકો પર અજાણ્યા શખ્સો ધસી આવી અને પહેલાં છરીના ઘા ઝીંક્યા હતા ત્યારબાત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા જેમાં બાબુ દેસાઈ નામના યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓએ મૃતક અને તેના ભાઈને એક કેસના મુદ્દે દબાણ કર્યુ હતું અને તેમાં જૂની અદાવતનો મામલો હતો. પોતાના પક્ષે સાક્ષી રહેવા કરાયેલા દબાણ જેવા મુદ્દાઓના કારણે યુવકો પર ફાયરિંગ કર્યુ હોવાનું સામે આવ્યું છે.

(9:37 pm IST)