Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

બાપુનગરના રઘુનાથ સ્કુલના સ્થાપકના પુત્રએ દારૂના નશામાં આવી શિક્ષકો સાથે બીભત્સ વર્તન કર્યું : ધરપકડ

સ્કૂલોનો દરવાજો બંધ કરીને શિક્ષકો સાથે ગેરવર્તન કરતા પોલીસ દોડી

અમદાવાદ : બાપુનગરના ડી માર્ટ પાસે આવેલા રઘુનાથ સ્કુલના સ્થાપકના પુત્રએ દારૂના નશામાં સ્કુલમાં આવીને દરવાજો બંધ કરી શિક્ષકો સાથે બીભત્સ વર્તન કર્યું હતું. જો કે શિક્ષકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્કુલના સ્થાપકના પુત્રના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી.

પોલીસ સુત્રોથી મળતી માહિતી અનુસાર, બાપુનગરના ડી માર્ટની સામે આવેલ રઘુનાથ હિન્દી હાઈસ્કૂલમાં સોમવારે સવારે ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટીના દિકરા ચેતન યાદવ દારૂ પીધેલી હાલતમાં ત્યાં આવ્યા હતા અને સ્કૂલોનો દરવાજો બંધ કરીને શિક્ષકો સાથે ગેરવર્તન કરવા લાગ્યા હતા. ચેતન યાદવની આવી વર્તણુકથી શિક્ષકોએ પોલીસ કન્ટ્રોલ રુમ પર ફોન કર્યો હતો.

બાપુનગર પોલીસે ચેતન યાદવના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. બીજી બાજુ સ્કૂલના આચાર્ય મહેન્દ્ર ભાઈએ જણાવ્યું હતું કે, ચેતન યાદવ રઘુનાથ સ્કૂલના સ્થાપક રામકૃષ્ણ યાદવનો પુત્ર છે. દરરોજ તે દારૂ પીધા પછી સ્કૂલે આવે છે. તેણે આ પ્રકારની કામગીરી ઘણી વાર કરી છે. સોમવારે સવારે શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન તે દારૂના નશામાં આવી ગયો હતો અને ધમાલ શરૂ કરી હતી.

(11:55 pm IST)