Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કોરોના સંદર્ભે વિજયભાઇની અધ્યક્ષતામાં તમામ ધારાસભ્યોની બેઠક

પોતાના વિસ્તારો ન છોડવા આદેશ અપાય તેવી શકયતા : ધારાસભ્યોને મળતી ગ્રાન્ટ કોરોના સંદર્ભે વાપરવાની સુચના અપાશે

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર તા. ૧પ :.. સમગ્ર દેશમાં છેલ્લા બે વર્ષથી કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. વિશ્વના તમામ તજજ્ઞો આ તરફ પુરતા પ્રયત્નો કરી રહ્યા છે.

આજે ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની એક અગત્યની બેઠક મળી રહી છે. આ બેઠકમાં કેટલીક મહત્વની બાબતો પર ચર્ચા-પરામર્શ કરવામાં આવશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. આજની આ બેઠકમાં આવનારા દિવસોમાં કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે કેટલીક અગત્યની બાબતો પર ચર્ચા પરામર્શ હાથ ધરાશે.

આજની બેઠકમાં તમામ ધારાસભ્યોને પોતાનો મત વિસ્તાર નહિ છોડવાના આદેશો પણ જારી કરવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.

આ ઉપરાંત ધારાસભ્યોને મળતી ગ્રાન્ટ માત્રને માત્ર કોરોના સંદર્ભે વાપરવા માટેની સૂચનાઓ આપવામાં આવે તેમ જાણવા મળે છે.

ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મુખ્ય સચિવશ્રી તેમજ આરોગ્ય કમિશ્નર દ્વારા યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં આગામી ઓકટોબર-નવેમ્બરમાં ત્રીજી લહેર  આવે તેવી પુરેપુરી  શકયતા તરફ ધ્યાન દોરવામાં આવેલ છે અને તે સંદર્ભે જરૂરી પગલાની જાહેરાત કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા આરોગ્યની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. સરકારની કોર ગ્રુપ કમિટી દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. જરૂરી પગલા લેવા ઘણી સત્તાઓમાં આપવામાં આવી છે.

આજે ગાંધીનગર ખાતે મળનારી આ બેઠક ખુબ જ મહત્વની બની રહે તેવા નિર્દેશો રાજકીય વર્તુળોમાંથી પ્રાપ્ત થઇ રહયા છે. આજની બેઠકમાં કોરોના ઉપરાંત પક્ષના સભ્યોમાં ઉભી થયેલી નારાજગી શાંત કરવા બોર્ડ નિગમોની નિમણુંકની ચર્ચા હાથ ધરાય તેવી પુરી શકયતાઓ છે.

બીજી તરફ વાત કરીએ તો રાજયના પાટનગર ગાંધીનગરની મહાનગર પાલીકાની ચુંટણીની ચર્ચા પરામર્શ હાથ ધરાય તેમ જાણવા મળે છે. જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તે ઉમેદવાર કોર્પોરેશન જીતવી મુશ્કેલ છે. સંભવ છે કે ઉમેદવારોના નામમાં ફેરફાર પણ થઇ શકે છે.

વર્તમાન પરિસ્થિતિમાં પ્રજાનો સીધો વિરોધ તેલના અને પેટ્રોલ -  ડિઝલના ભાવ જે રીતે વધી રહ્યા છે તે પણ સરકાર માટે ચિંતાનો વિષય છે. આ મુદ્દો પણ સરકાર માટે ખુબ ચિતિંત છે.

બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ગુજરાતની મુલાકાત પણ લોકોના હૃદયમાં પ્રવેશ કરી કામોની વાત પ્રજા સમક્ષ જઇ રહી છે જે સરકાર માટે ચિંતાજનક છે. 

(3:59 pm IST)