Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ઇકો કારના સાયલેન્સર ચોરતી ગેંગ પ્લેટીનીયમ મિશ્રીત ચાંદીમાંથી પૈસા કમાતી!!

ગાંધીનગર ગેંગ અને આસીફ પાટી ગેંગના ૧૪ સભ્યોને ઝડપી લેતા એલસીબી પીઆઇ ખાંટ

રાજકોટ, તા., ૧૫: અમદાવાદ એલસીબી પીઆઇ આર.જી.ખાંટ દ્વારા ગાંધીનગર ગેંગ અને આસીફ પાટી ગેંગના ૧૪ સભ્યોને ઝડપી લઇ અમદાવાદ ગ્રામ્યમાંથી અલગ વિસ્તારોમાંથી ૬૪ થી વધુ ઇકો કારમાંથી માત્ર સાયલેન્સર ચોરી લીધા હતા. આ બારામાં અકિલાએ પીઆઇ ખાંટને પુછયું કે આશ્ચર્યજનક દેખાતી આવી ચોરી કરવા પાછળનો તેમનો આશય શું? શ્રી ખાંટે અકિલાને જણાવેલ કે સાયલેન્સરમાંથી ગેંગના સભ્યો પ્લેટીનીયમ મિશ્રીત ચાંદી અલગ કરી લેતા હતા. બજારમાં એક સાયલેન્સરની કિંમત જ ૩૮ હજાર થાય છે. આમાથી મળતી ચાંદીની એક કિલોની કિંમત ૧૦ હજાર છે. ચાંદી કાઢી લેવા માટે જ સાયલેન્સરની ચોરી કરવામાં આવતી હતી.

અમદાવાદ ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાંથી ૬૪ થી વધુ ઇકો કારના સાયલેન્સરોની ચોરી કરતી અલગ-અલગ ગેંગના ૧૪ સભ્યોની એલસીબીએ અટક કરી છે. તેમની પાસેથી પોલીલસે સાયલેન્સરો અને વાહનો મળીને કુલ રૂ. ૧૩,૯પ,૦૦૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ટોળકી ૩૧ જેટલા ઢોર ચોરીના ગુનામાં પણ સંડોવાયેલી હોવાનું ખુલ્યું હતું.

અમદાવાદ જીલ્લાના આજુબાજુના જીલ્લાઓમાં ઇકો કારના સાયલેન્સરોની ચોરી કરતી ગેંગ સક્રિય હોવાની માહીતીને આધારે ગ્રામ્ય પોલીસના વડા વીરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે બાવળા ઢેઢાલ ચાર રસ્તા અને ધોળકા ત્રણ રસ્તા પાસે જાળ બિછાવીને ૧૪ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં બાવળાના આસીફ ઉર્ફે પાટી એ. વહોરા (૩૩)  ઇરફાન ઉર્ફે પોંજો પી. વહોરા (ર૦), મુસ્તુફા ઉર્ફે મુસ્તાક બાપુ એ.ફકીર (ર૭) , ધોળકાના સાજીદ ઉર્ફે એકડ આઇ.મલેક (૩૭), સુરેન્દ્રનગરના સલીમ ઉર્ફે લીમડી આઇ.દીવાન (૩૯) વિજય એસ. ઠાકોર (ર૯), નિયામતહુસેન ઉર્ફે ભુરો બી. મલેક (૪ર), મુઝફફર એ.કુરેશી (૩પ), બાવળાના અષૃદ ઉર્ફે મોરસ એસ. વહોરા (૩૧), રિયાઝ ઉર્ફે દબંગ આર.વોરા (ર૮), સાણંદના પરેશગીરી પી.ગોસ્વામી (૩૦), બાવળાના શાહરૂખ જી. વહોરા (ર૭) અને ધોળકાના અશરફ ઉર્ફે ગાંધી જી.મન્સુરી (૩૪)નો સમાવેશ થાય છે.

તેમની પાસેથી પોલીસે ઇકો કારના સાયલેન્સર, સાયલેન્સરની પલેટીનીયમ મિશ્રીત છ કિલોો ચાંદી, ૧૦ મોબાઇલ, ગુનામાં ઉપયોગમાં લીધેલા ચાર  ફોરવ્હીલ વાહનો વગેરે મળીને કુલ રૂ. ૧૩,૯પ,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમણે અમદવાાદના ગ્રામ્ય  જીલ્લાના ભડીયાદ તથા સુરેન્દ્રનગર જીલ્લામાં ર૯, ગાંધીનગર જીલ્લામાં ૧પ , મહેસાણામાં પ, ખેડામાં પ, ખેડામાં પ અને આણંદમા ૯ મળીને ૬૪ થી વધુ ઇકો કારના સાયલેન્સરોની ચોરી કરી હતી. તે સિવાય અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાંથી ર૧ અને આણંદ જીલ્લામાંથી ૧૦ મળીને કુલ ૩૧ ઢોરની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. આમ પોલીસે સાયલેન્સર ચોરી અને ઢોર ચોરીના  ૯પ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

ચોરીના પૈસામાં ભાગ પાડવામાં મનદુઃખ થતા અલગ ગેંગો બની

આ શખ્સો અગાઉ આસીફ પાટીની રૂપાલ ગેંગમાં ગુના આચરતા હતા. પરંતુચોરીના નાણાનો ભાગ પાડવામાં તેમની વચ્ચે મનદુઃખ થયું હતું. આથી આસફ પાર્ટીની રૂપાલ ગેંગમાંથી છુટા પડીને અલગ અલગ સાગરીતોએ સાથે મળીને હાલના ગુનાઓને અંજામ આપ્યો હતો.

(3:59 pm IST)