Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ધારાસભ્યોની છેલ્લા 2 વર્ષની ગ્રાન્ટમાં મંજૂર કામો પૂર્ણ કરી અને 30 જૂન સુધીમાં પેમેન્ટ કરવા આદેશ

અમદાવાદ મ્યુનિ.ના પ્લાનિંગ ખાતા દ્વારા તમામ વિભાગોને ઉદ્દેશી પરિપત્ર

અમદાવાદ :શહેરમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારીના કારણે ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી થતા વિકાસના કામો ટલ્લે ચડ્યા છે. આજે અમદાવાદ મ્યુનિ.ના પ્લાનિંગ ખાતા દ્વારા તમામ વિભાગોને ઉદ્દેશી એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2018-19 અને વર્ષ 2019-20ના ધારાસભ્યોની ગ્રાન્ટના તમામ કામો પૂર્ણ કરી દેવા આદેશ આપ્યો છે

શહેરના ધારાસભ્યોની છેલ્લા 2 વર્ષની ગ્રાન્ટમાં મંજૂર કામો પૂર્ણ કરી અને 30 જૂન સુધીમાં પેમેન્ટ કરવા આદેશ કરી દેવાયો છે. 14 વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યોએ સૂચવેલા વિકાસ કામોની વહીવટી મંજૂરી બાકી હોય તો પૂર્ણ કરવા આદેશ કરી દેવાયો છે. આ સાથે આ તમામ કામોમાં મુદત વધારો મળશે નહીં તેવું પણ કહી દેવાયું છે.

અમદાવાદ મ્યુનિ.ના પ્લાનિંગ ખાતાના ડે. મ્યુનિ. કમિશનર દ્વારા આજે પરિપત્ર કરાયો છે. જેમાં વર્ષ 2018-19 અને વર્ષ 2019-20માં ફાળવવામાં આવેલી ગ્રાન્ટ હેઠળ કામો શરૂ કરવાની મુદત તા.30 જૂન 2021 છે જ્યારે કામો પૂર્ણ કરી પેમેન્ટ કરવાની મુદત તા.31 જુલાઈ 2021 છે.

આ અંગે સરકારે અગાઉ પરિપત્ર કરી જાણ કરી છે છતાં કામો બાકી રહ્યા છે જેથી, 14 વિધાનસભા વિસ્તારમાં વહીવટી મંજૂરી સંબધિત અમલીકરણ વિભાગમાંથી આપવાની મંજૂરી બાકી હોય તો મંજૂરી આપી 30 જૂન પહેલા કામો શરૂ કરવા, 4 વિધાનસભા વિસ્તારમાં જરૂરી પ્રમાણપત્ર બનાવી જરૂરી ઓથોરિટીમાં મોકલવી, વહીવટી મંજૂરી મળી હોય તો 30 જૂન પહેલા કામ શરૂ કરવા અને 31 જુલાઈ સુધી કામો પૂર્ણ કરી, પેમેન્ટ કરી અને વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવા આદેશ કર્યો છે.

(10:27 pm IST)