Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

રાજ્યમાં કોઈપણ પ્રકારે નેતૃત્વ પરિવર્તન નહી : રાજકીય અટકળોનો આવ્યો અંત

પ્રભારીની મુલાકાત અને ધારાસભ્યોની બેઠક વચ્ચે નેતૃત્વ પરિવર્તનની જબરી હવા

ગુજરાતના રાજકારણમાં જબરી હલચલ વચ્ચે માહિતી પ્રમાણે ગુજરાતમાં કોઈપણ પ્રકારે નેતૃત્વનું પરિવર્તન થશે નહીં. જેના કારણે નેતૃત્વ અંગેની રાજકીય અટકળોનો અંત આવ્યો છે.

ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવની મુલાકાત બાદ અટકળો ચાલતી હતી. અને ભૂપેન્દ્ર યાદવ દ્વારા એક પછી એક બેઠકના કારણે ગુજરાતમાં નેતૃત્વનું પરિવર્તન થશે તેવી વાતોને વેગ મળ્યો હતો. આજે વિધાનસભા ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં મહત્વના સૂચનો કરાયા છે. આ બેઠકમાં સરકાર અને સંગઠન તાલમેલ સાથે વધુ મજબૂત બનાવવા સૂચનો થયા છે.

 આજે ગાંધીનગર ખાતે વિધાનસભા હોલમાં ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ વિધાનસભા હોલ પહોંચ્યા હતા. બેઠકમાં પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પણ હાજરી હતી. ભાજપ સંગઠનના આગેવાનો પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

રાજકીય ગરમાવા વચ્ચે ભાજપ ધારાસભ્યોની બેઠક સૂચક મનાઈ રહી હતી. વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીને લઈ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે. ભાજપના તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા આદેશ પણ અપાયા હતા.

ગુજરાત વિધાનસભામાં બેઠક અગાઉ કમલમમાં ભાજપના આગેવાનોની બેઠક યોજાઈ હતી. ભાજપના કિશાન મોરચાની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષ સ્થાને બેઠક થઈ હતી. અને બાબુ જેબલિયા, સંગઠનમંત્રી ભીખુભાઈ દલસાણિયા હાજર રહ્યા હતા. આ સાથે બક્ષીપંચ મોરચાનાં પદાધિકારીઓ સાથે પણ ભૂપેન્દ્ર યાદવની બેઠક યોજાઈ હતી. સાથે પ્રભારીએ કમલમ ખાતે સંગઠન મહામંત્રીની પણ મુલાકાત કરી હતી

(11:49 pm IST)