Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

શિયા જાફરી મોમીન સમાજના ધર્મગુરૂ હીઝ હોલિનેસ મુજાહીદ હુસૈન બાવાસાહેબનું દુઃખદ નિધન

બાવાસાહેબના અંતિમ દર્શન કરવા અને તેઓની અંત્યેષ્ટીમાં જોડાવા સિધ્ધપુર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા : હાઈવે દેથળી ચાર રસ્તાથી સિધ્ધાર્થ હોટલ સુધી લગભગ ત્રીસેક હજાર લોકો એકઠા થયા :હજુ લોકોનો આવવાનો પ્રવાહ ચાલુ

સિધ્ધપુર જાફરીબાગ ખાતેના મુખ્ય કેન્દ્રથી સમગ્ર વિશ્ર્વમાં ફેલાયેલા શિયા જાફરી મોમીન સમાજનું નેતૃત્વ અને માર્ગદર્શન કરતા ગાદીનશીન ધર્મગુરૂ હીઝ હોલિનેસ મુજાહીદ હુસૈન બાવાસાહેબનું ગત રાત્રીએ હ્રદયરોગના હુમલામાં દુ:ખદ નિધન થયું છે.

 હીઝ હોલિનેસ બાવાસાહેબ સમાજમાં શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને સમાજના લોકોની ધંધા રોજગારમાં ઉન્નતી માટે સતત પ્રયત્નો કરતા રહ્યા છે. સેદ્રાણા પાસે મકતબાહ જાફરીયા વિદ્યા સંકુલ, વિશ્ર્વના તમામ ધર્મોના પુસ્તકો ધરાવતી આધુનિક લાયબ્રેરી તથા તમામ આધુનિક સગવડો ધરાવતી હોસ્પિટલ સહીતના કેટલાય પ્રકલ્પો તેઓના ઈચ્છા અને માર્ગદર્શન બન્યા છે જેનો લાભ સમગ્ર સિધ્ધપુર પંથકની જનતાને મળી રહ્યો છે. પશ્ર્ચિમ અને ઉત્તર ભારતની હાઈવેની લગભગ તમામ હોટલો શિયા જાફરી મોમીન સમાજના લોકોની હોય છે. હજુ ત્રણેક માસ અગાઉ પૂર્વ ગાદીપતી મોટા બાવાસાહેબનો ઈન્તકાલ થવાના દુ:ખ માંથી સમાજ બહાર આવ્યો નથી ત્યાં વર્તમાન ગાદીપતી બાવાસાહેબનું અવસાન થતાં સમાજમાં અત્યંત દુ:ખની લાગણી ફેલાઈ છે. વિવિધ વ્યવસાયોમાં સફળ જાફરી સમાજના લોકોને પોતાના રાહબર અને ગાદીપતી બાવા સાહેબના અચાનક નિધનના દુ:ખદ સમાચાર મળતાં તુરંત પોતાના ધંધા રોજગાર બંધ કરીને બાવાસાહેબના અંતિમ દર્શન કરવા તેમજ તેએની અંત્યેષ્ટીમાં જોડાવા સિધ્ધપુર દોડી આવ્યા છે. હાઈવે દેથળી ચાર રસ્તાથી સિધ્ધાર્થ હોટલ સુધી લગભગ ત્રીસેક હજાર લોકો એકઠા થયા છે અને હજુ લોકોનો આવવાનો પ્રવાહ ચાલુ જ છે.

(10:09 pm IST)