Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

સૌરાષ્‍ટ્રમાં કેટલાક ધારાસભ્‍યોના કપાશે પત્તા ! : અમુક નેતાઓમાં ગભરાટ

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાશે : ભાજપે વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી પૂર્વે ભાજપના ધારાસભ્‍યોનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરાવ્‍યું

નવી દિલ્‍હી તા. ૧૫ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. ત્‍યારે સત્તાપક્ષ ભાજપે પ્રથમવાર ધારાસભ્‍યોની કામગીરીને લઇને ખાનગી સરવે કરાવ્‍યો છે, જેમાં અન્‍ય રાજયોના પત્રકારોની જ સરવે ટીમ બનાવવામાં આવી છે. આ ટીમે સૌરાષ્ટ્રમાં સરવે પૂર્ણ કર્યો છે. જેમાં સૌરાષ્ટ્ર ભાજપના ધારાસભ્‍યનાં કામનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરી દીધું છે. આથી નિષ્‍ક્રિય ધારાસભ્‍યોના પગ અત્‍યારથી જ ધ્રૂજવા લાગ્‍યા છે. બીજી તરફ રિપોર્ટ કાર્ડમાં કયા ધારાસભ્‍યની ટિકિટ કપાશે અને કયા ધારાસભ્‍યને ટિકિટ આપવામાં આવશે એની જોરશોરથી ચર્ચા થવા લાગી છે. ખાનગી સરવે ટીમનું રિપોર્ટ કાર્ડ હાઇકમાન્‍ડ પાસે પહોંચી ગયું છે.

ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણી માટે ‘ઇલેક્‍શન માટે સિલેક્‍શન' થિયરી અપનાવી છે. જેના માટે અન્‍ય રાજયોના પત્રકારોની સરવે ટીમ બનાવી ભાજપે ધારાસભ્‍યોનું ગ્રાઉન્‍ડ ઝીરોનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરાવ્‍યું છે. જયારે રાજકોટ જિલ્લામાં ભોપાલની ટીમે સરવે કર્યો હતો. સામાન્‍ય પ્રજાથી માંડી કાર્યકરો અને પત્રકારોના મત જાણ્‍યા હતા. સર્વે રિપોર્ટમાં કયા ધારાસભ્‍યો ચૂંટણી લડશે અને કયા ધારાસભ્‍યો ચૂંટણી નહીં લડે એ પાર્ટી નક્કી કરશે.

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી પણ ત્રીજા ફેક્‍ટર તરીકે મેદાનમાં આવશે, પરંતુ આ પક્ષ ગુજરાતમાં ઝાડું ફેરવી શકે છે કે નહીં? એ તો સમય-સંજોગો બતાવશે. ગુજરાત ભાજપની પ્રદેશ પાંખ તરફથી વિધાનસભાની ચૂંટણીને જરા પણ હળવાશથી લેવામાં નહીં આવે એવા સંકેતો આપી દેવામાં આવ્‍યા છે અને હજુ ઘણો સમય બાકી હોવા છતાં ભાજપે અત્‍યારે જ પ્રત્‍યેક સીટ પર પક્ષની સ્‍થિતિ જાણવાની કવાયત શરૂ કરી દીધી છે.

(11:07 am IST)