Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

બેંકર્સ ગ્રુપ IPO લાવવાના પ્‍લાનિંગમાં કોરોના વર્ષની રૂા. ૪૦ કરોડની આવક !

ત્રણ હોસ્‍પિટલો સહિત વિવિધ સ્‍થળે ITની ૬ દિવસે તપાસ પૂરી : કોરોનાના દર્દીઓની સારવારની આવક પર ટેકસ ભર્યો ? તેના સહિતની તપાસ શરૂ

વડોદરા,તા. ૧૫ : શહેરના બેંકર્સ ગ્રુપ અને સુરતના સહજાનંદ ગ્રુપના વિવિધ ઠેંકાણે ઇન્‍કમ ટેકસના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. શહેરની બેંકર્સ ગ્રુપની હોસ્‍પિટલો સહિત વિવિધ સ્‍થળે આઇટીની ટીમે ૬ દિવસ તપાસ પુરી થઇ છે. બેંકર્સ ગ્રુપની વર્ષ ૨૦૨૦-૨૧ની આવક રૂા. ૪૦ કરોડ હતી. આ ગ્રુપ આઇપીઓના પ્‍લાનિંગમાં હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

સુરતનાં સહજાનંદ ગ્રુપના કનેકશનમાં વડોદરાના બેંકર્સના ગ્રુપ પર આઇટીની તવાઇ આવી હતી. આઇટીની ટીમ બેંકર્સ ગ્રુપની હોસ્‍પિટલો, ડો. દર્શન બેંકરના બંગલે અને સ્‍ટાફના કર્મચારીના ત્‍યાં મેરેથોન તપાસ કરી હતી. આઇટીની વિવિધ સ્‍થળે ૬ દિવસની તપાસ પુરી થઇ છે. કેશ અને જ્‍વેલરી ઉપરાંત આઇટીની ટીમે મોટા પ્રમાણમાં દસ્‍તાવેજો કબ્‍જે કર્યા છે. કાગળીયા સહિતના દસ્‍તાવેજોની સંબંધિત સરકારી એજન્‍સી મારફતે ખરાઇ કરાવવામાં આવશે. આ કાગળીયામાં ઝેરોક્ષનો પણ સમાવેશ થયો છે. ડેટાની સોફટ કોપીની ફોરેન્‍સિક તપાસ કરવામાં આવશે. આ ગ્રુપની આવક વર્ષ ૨૦૧૯ -૨૦માં રૂા. ૧૦ કરોડ અને વર્ષ ૨૦૨૦-૨૧માં રૂા. ૪૦ કરોડ બતાવાઇ હતી. કોરોનાને કારણે એક વર્ષની આવકમાં રૂા. ૩૦ કરોડનો ઉછાળો થયો ? કોરોનામાં કેટલા દર્દીની સારવાર કરી? આવક  કેટલી થઇ ? તેની પર ટેકસ ભર્યો કે નહી? તેના સહિતની તપાસ માટે ત્રણથી ચાર વર્ષનો ડેટા રિકવર કરાયો છે. આ ગ્રુપ આઇપીઓ લાવવાના પ્‍લાનિંગમાં હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. આઇપીઓ લોન્‍ચ કરવાના પ્‍લાનિંગને કારણે પ્રોફીટ બતાવાયો હોવાનું અધિકારીઓ અનુમાન લગાવી રહ્યા છે. (૨૨.૫)

ફોરેન બેંક ખાતા મળ્‍યા નથી, ક્રિપ્‍ટોમાં રોકાણની તપાસ થશે

સહજાનંદની જેમ બેંકર્સ ગ્રુપના ફોરેન બેંક એકાઉન્‍ટ મળ્‍યા નથી. ડો. દર્શન બેંકરનું ક્રિપ્‍ટોમાં રોકાણ છે કે નહી? તેની આઇટીના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. બેંકરે ક્રુઝ કે ચોટમાં કેટલાક ડોકટર્સને પાર્ટી આપ્‍યા હોવાની વાતો પણ બજારમાં વહેતી થઇ છે.

(10:11 am IST)