Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

કોંગ્રેસની હઠ અને નરેશભાઇના વટથી ખેલ બગડયો : રાજકારણને બાય-બાય ?

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થાય અને નરેશભાઇને ચૂંટણી પહેલા જ મુખ્‍યમંત્રીપદના ચહેરા તરીકે જાહેર કરવામાં આવે અને પ્રશાંત કિશોરને સુકાન સોંપવાની માંગણી કોંગ્રેસે ન સ્‍વીકારતા રાજકારણમાં ન જોડાયાની ભારે ચર્ચાઓ : આમ આદમી પાર્ટીની હજુ પણ નરેશભાઇ માટે લાલજાજમ : ત્રીપાંખીયા જંગ માટે નથી નરેશભાઇ તૈયાર

રાજકોટ તા. ૧૫ : આશરે ૬ મહિના જેટલા સમયથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા અને એરણે ચડેલા નરેશભાઈ પટેલ રાજકારણમાં જોડાઈ છે કે નહિ તે વાત ઉપર અંતે પૂર્ણવિરામ આવે તેવી ભારે ચર્ચાઓ ચાલી રહી છે.રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ નરેશભાઈએ કોંગ્રેસના સ્‍થાનિકથી માંડીને દિલ્‍હીના મવડી મંડળ સુધી સતત એવી ફોર્મ્‍યુલા રજુ કરેલી કે આગામી વિધાન સભાની ચુંટણીમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન થાય અને મુખ્‍યમંત્રી પદના ઉમેદવાર માટે તેમનું નામ અગાઉથી જ જાહેર કરવામાં આવે પરંતુ કોંગ્રેસના અમુક જામી ગયેલા નેતાઓ અને વંશ પરંપરાગત ખામ થિયરીમાં માનતા નેતાઓના કારણે આ વાત ગોઠવાઈ નહિ અંતે નરેશભાઈએ રાજકારણને રામ-રામ કરવાનું મન મનાવી લીધાનું ચર્ચાઈ છે.

નરેશભાઈ છેલ્લા છએક માસથી રાજકારણમાં સક્રિય થવાની બાબતે ગંભીરતાપૂર્વક વિચારતા હતા.કોંગ્રેસના સર્વે-સર્વાં સોનિયાજી અને રાહુલ ગાંધીને મળીને ગુજરાત વિધાનસભામાં વિજય મેળવવા માટેની તેમની સ્‍પષ્ટ માંગ હતી કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કરીને ભાજપને ફાઈટ આપવી જોઈ.કોંગ્રેસની પરંપરા છે કે અગાઉથી જ મુખ્‍યમંત્રીપદનો ચહેરો જાહેર કરવામાં આવતો નથી પરંતુ નરેશભાઈની હઠ હતી કે મુખ્‍યમંત્રીપદ માટે તેમનું પ્રથમથી જ જાહેર કરવામાં આવે અને વિધાનસભાના પ્રચાર-પ્રસારનું સમગ્ર કામ પ્રશાંત કિશોરને સોંપવામાં આવે પરંતુ આ વાતે કોઈ નિર્ણય ઉપર કોંગ્રેસ આવી શકી નહિ અંતે તેઓએ હથિયાર હેઠા મૂકી દીધાનું ચર્ચાઈ છે.

નરેશભાઈ માટે આજે પણ આમ આદમી પાર્ટીના સર્વેસર્વાં કેજરીવાલ સહિત તમામ લોકો આપમાં નરેશભાઈ માટે લાલ જાજમ બિછાવીને બેઠા છે જોકે નરેશભાઈ સ્‍પષ્ટ છે કે ત્રીપાંખીયા જંગથી કોઈ ફાયદો નથી કોંગ્રેસ અને આપનું ગઠબંધન થાય અને પ્રશાંત કિશોર પ્રચારની કમાન્‍ડ સંભાળે તો જ મેદાનમાં ઉતરવું.

નરેશભાઈની પીછેહઠ પાછળ કોંગ્રેસની મરીનું નામ મગ ન પાડવાની નીતિ જવાબદાર છે કે ભાજપની વ્‍યુ રચના તે બાબતે પણ ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપની નીતિ હતી કે નરેશભાઈ ભાજપમાં જોડાઈ કે ન જોડાઈ પરંતુ અન્‍ય કોઈ પક્ષમાં તો ન જ જોડાવવા જોઈએ.પાટીદાર ફેક્‍ટરને ધ્‍યાને લેતા ભાજપ માટે પડકાર બની શકે તેમ હતા તેઓને ભાજપ તરફ લઇ આવાના પણ ઘણા પ્રયાસો થયા.એક તબકકે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ,ભાજપના ધારાસભ્‍ય અને દિગ્‍ગજ નેતા હકુભા જાડેજા તથા અન્‍ય લોકોની હાજરીમાં બેઠક પણ યોજાયાની જગજાહેર ચર્ચાઓ છે જે થયું તે ભાજપે ખેલ પાડ્‍યો કે કોંગ્રેસે ભૂલ કરી નરેશભાઈ હવે રાજકારણથી દુર રહેવા મન માનવી ચૂક્‍યાનું મનાઈ છે આમ છતાં હજુ નરેશભાઈના અંગત મિત્રોનું કહેવું છે કે નરેશભાઈ દિલ્‍હી જઈને રાહુલ, સોનિયાજીને મળી તથા પ્રશાંત કિશોર સાથે ચર્ચા કર્યા બાદ જ નક્કી કરશે.(૨૧.૩૯)

પ્રેસ મીડિયાએ ભારે

દોડધામ કરી

છેલ્લા છએક માસથી નરેશભાઈ પટેલ રાજકારણમાં આવે છે તેની ભારે ચર્ચાઓ વચ્‍ચે પ્રિન્‍ટ અને ઇલેક્‍ટ્રોનિક મીડિયાના પત્રકારો રાત-દિવસ દોડતા રહ્યા.કોઈ પાટીદાર ફંક્‍શન હોઈ કે સામાજિક-ધાર્મિક કાર્યક્રમ કે પછી ભાજપ કે કોંગ્રેસના કોઈ વરિષ્‍ઠ નેતાનો પ્રવાસ હોઈ નરેશ પટેલ કોને મળે છે? શું બોલે છે? આવી સતત ચર્ચાઓ મીડિયામાં થતી રહી હવે જો નરેશભાઈએ રાજકારણમાં ન જ જોડાવવા મન મનાવી લીધું હોઈ તો મીડીયા સમક્ષ બે શબ્‍દો તો બોલવા જ જોઈએ.

ભાજપની વ્‍યુહરચના

કામ કરી ગઇ ?

નરેશ પટેલ રાજકારણમાં સક્રિય જ ન થાય અને થાય તો ભાજપ સિવાઈ ક્‍યાંય પણ ન જોડાઈ તેવા ભરપુર પ્રયાસો ભાજપે શામ દામ દંડની નીતિથી કર્યા.એક તબક્કે સ્‍થાનિક નેતાઓથી માંડીને પ્રદેશ કક્ષાના નેતાઓની સાથે બેઠકો પણ થઇ તો બીજી તરફ આ સમયગાળા દરમ્‍યાન સતત આઈબીની વોચ પણ નરેશભાઈ ઉપર રાઉંડ ધ કલોક ગોઠવાઈને રહી. નરેશભાઈ કોને મળે છે કે નરેશભાઈને મળવા કોણ આવે છે આ તમામ ઘટનાઓ પર આઈબીની બાજ નજર રહી. આ પ્રેસર ટેકનીકથી નરેશભાઈના ઘણા અંગત મિત્રો અને પરિવારજનો તેઓને રાજકારણથી દુર રહેવાની પણ સલાહ આપતા કદાચ ભાજપની આ વ્‍યુ-રચના પણ નરેશભાઈની પીછેહઠ પાછળ જવાબદાર હોઈ શકે.

(1:19 pm IST)