Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

નરેન્દ્રભાઈ મોદી વડોદરાના કાર્યક્રમમાં કુંઢેલા નજીક ૧૦૦ એકર જમીનમાં સ્થપાનારી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નિર્માણ માટે શિલાન્યાસ કરશે

વિદ્યાના વારાણસી જેવા વડોદરામાં સરસ્વતી સાધનાની વધુ એક અનુપમ સુવિધા થશે સાકાર : ગુજરાત સરકારે કરોડોમાં મૂલ્‍ય અંકાય એવી કિંમતી જમીન અને ભારત સરકારે રૂ.૭૪૩ કરોડ આ આંતરરાષ્‍ટ્રીય કક્ષાની શિક્ષણ સુવિધાઓથી સજ્જ વિદ્યાધામના સર્જન માટે ફાળવ્‍યા છે : દીર્ઘદ્રષ્ટા સયાજીરાવ મહારાજે વડોદરાને વિદ્યાનું વારાણસી બનાવ્‍યું

રાજકોટ તા.૧૫: લોક કલ્‍યાણ માટે સયાજીરાવના શાસન સૂત્રોમાં અડગ વિશ્વાસ ધરાવનારા પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ, વડોદરાની વિદ્યાના આંતરરાષ્‍ટ્રીય ધામ તરીકેની ખ્‍યાતિને વધુ વ્‍યાપક બનાવવા શિક્ષણના આંતરરાષ્‍ટ્રિય માપદંડોને અનુસરીને જેનું નિર્માણ થવાનું છે તેવી સેન્‍ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત - ગુજરાત કેન્‍દ્રીય વિશ્વવિદ્યાલય માટે વડોદરાની પસંદગી કરીને એક નવું વિદ્યા આયામ ઉમેરવાનું દૂરંદેશીભર્યું  આયોજન કર્યું છે.

પ્રધાનમંત્રીશ્રી તા.૧૮ મી જૂનના રોજ વડોદરાના લેપ્રસી મેદાન પર યોજાનાર ગુજરાત ગૌરવ અભિયાન પ્રસંગે ડભોઇ તાલુકાના કુંઢેલા નજીક આ નવીન વિશ્વવિદ્યાલયના સંકુલના નિર્માણ માટે શિલાન્‍યાસ કરશે. આ દિવસે તેઓ વડોદરામાં જ આકાર લેનારી, દેશની તેના પ્રકારની સર્વ પ્રથમ ગતિશક્‍તિ વિશ્વવિદ્યાલયના નિર્માણનો પણ પ્રારંભ કરાવવાના છે. આમ, એક જ દિવસમાં વિદ્યાના વારાણસી જેવા વડોદરાની શિક્ષણ સુવિધાઓમાં બે ઉચ્‍ચતમ શિક્ષણ સંસ્‍થાઓના ઉમેરાનો માર્ગ ખુલશે અને આ દિવસ વડોદરાના ઉજ્જવળ ઇતિહાસમાં અંકિત થઈ જશે.

રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને પ્રધાનમંડળના સદસ્‍યોની ઉપસ્‍થિતિમાં આ શિલાન્‍યાસ થશે.

શિક્ષણ સુવિધાને વ્‍યાપક બનાવવાના સંકલ્‍પ હેઠળ ગુજરાત સરકારે આ નવા વિદ્યાધામના નિર્માણ માટે કુંઢેલા નજીક કરોડોમાં કિંમત અંકાય એવી ૧૦૦ એકર જેટલી વિશાળ જમીન ફાળવી છે.

 

તો ભારત સરકારે આ નવીન વિશ્વવિદ્યાલય માટે સુવિધાસમ્‍પન્ન પરિસરના નિર્માણ માટે રૂ.૭૪૩ કરોડ મંજૂર કર્યા છે. અઢી હજાર વિદ્યાર્થીઓ વૈશ્વિક માપદંડો પ્રમાણેનું શિક્ષણ આ વિદ્યાધામમાં લઈ શકે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્‍યું છે.

અહીં પ્રવેશતા જ ગુજરાતની અસ્‍મિતા અને વૈવિધ્‍યથી ભરેલી સંસ્‍કળતિનો આપોઆપ પરિચય મળી જાય એવું ભવ્‍ય પ્રવેશદ્વાર બનવાનું છે. હરિયાળા પરિસરમાં અદ્યતન સુવિધાઓ હેઠળ નિવાસી શિક્ષણની વ્‍યવસ્‍થા એ અહીંની આગવી વિશેષતા બનશે.

આ વિશ્વવિદ્યાલયમાં સંખ્‍યાબંધ વિદ્યાશાખાઓનું ઉત્તમ શિક્ષણ ઉપલબ્‍ધ કરાવવાની રૂપરેખા ઘડવામાં આવી છે. તેના પ્રમાણે રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, નેનો સાયન્‍સ, પર્યાવરણ અને સમપોષક વિકાસ, પ્રયુક્‍ત સામગ્રી (એપ્‍લાઇડ મટીરીયલ)વિજ્ઞાન, માનવિકી (હ્યુમેનીટી) અને સામાજિક વિજ્ઞાન, ભાષા, સાહિત્‍ય, સંસ્‍કળતિ, રાષ્‍ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્‍ટ્રીય સંબંધો, પ્રવાસી અધ્‍યયન (ડાયાસ્‍પોરા સ્‍ટડીઝ) અને પુસ્‍તકાલય વિજ્ઞાન તેમજ શિક્ષણ શાષા વિદ્યાશાખાના બહુઆયામી શિક્ષણની સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવાનું આયોજન છે.

આ વિશ્વવિદ્યાલયના ભાગરૂપે પુસ્‍તકો, સામયિકો, ડિજિટલ અને ઈ-રિસોર્સિસથી સમળદ્ધ પુસ્‍તકાલય અને વિશાળ વહીવટી ભવન અહી નિર્માણ પામશે.

તેની સાથે વિવિધ બહુહેતુક ભવનો, અતિથિ ગળહ, છોકરા અને છોકરીઓ માટે સુવિધાસભર છાત્રાઆવાસો અને અતિ અદ્યતન સંશોધનો શકય બનાવતી આંતરરાષ્‍ટ્રીય કક્ષાની પ્રયોગશાળાઓ, મલ્‍ટી મીડિયા ફેસિલિટીઝ સાથેના વ્‍યાખ્‍યાન ખંડોનો નિર્માણ આયોજનમાં સમાવેશ થાય છે.

  કહે છે કે માંગ્‍યા વગર તો માં પણ ન પીરસે. પરંતુ વડોદરા જેમની કર્મભૂમિ રહી છે તેવા વડોદરા પ્રેમી પ્રધાનમંત્રી, તેમના વ્‍હાલા વડોદરાને માંગ્‍યા કરતાં પણ વધારે અને અદકેરી વિકાસ સુવિધાઓ આપી રહ્યાં છે. જેની પ્રતીતિ આ બે અનન્‍ય વિદ્યાધામો કરાવશે.

 

વડોદરા નજીક ગુજરાતની પહેલી સેન્‍ટ્રલ યુનિવર્સિટી બનર્શેં

ર્ર્ંનવી દિલ્‍હી : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી શનિવારે વડોદરામાં જેના નિર્માણનો શિલાન્‍યાસ કરવાના છે એ સેન્‍ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત - ગુજરાત કેન્‍દ્રીય વિશ્વવિદ્યાલય ગુજરાતની પહેલી સેન્‍ટ્રલ યુનિવર્સિટી બનશે. પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં દેશમાં કુલ ૫૪ કેન્‍દ્રીય વિશ્વવિદ્યાલયો શિક્ષણ પ્રદાન કરી રહ્યાં છે. દેશના ૧૫ રાજ્‍યોમાં આ વિશ્વવિદ્યાલયો કાર્યરત કરવામાં આવ્‍યા છે. કુંઢેલા સી.યુ.જી.નું ટ્રાન્‍જીટ હેડ ક્‍વાર્ટર પ્રથમ ગાંધીનગર રાખવામાં આવ્‍યું છે જે પરિસર નિર્માણ પછી આ સ્‍થળે ખસેડવામાં આવશે.

દેશના તમામ રાજ્‍યોના વિદ્યાર્થીઓ હાલની સેન્‍ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવે છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓનું પ્રમાણ અંદાજે ૨૦ ટકા જેટલું હોવાનું અનુમાન છે.

(2:50 pm IST)